કિરીટ દૂધાત
Kirit Dudhat
હમણાંથી
અધરાતે મધરાતે
ગળામાં કાળી બળતરા ઊઠે છે
અર્ધતંદ્રામાં ઊભો થઈ
રસોડાની બહાર આવેલા
આર.ઓ.માંથી ગ્લાસમાં પાણી ભરું છું.
રાતના અંધકારમાં
ગ્લાસમાં પાણી પડવાનો અવાજ
સહેજ મોટો સંભળાય છે.
ત્યારે જ બહારની ચોકડીમાં
બીજો એક પરિચિત બોલાશ સંભળાય છે :
સૌ પહેલાં આતા ગયેલા
પછી બાપુજી ગયા
અને કાકા તો હમણાં જ ગયા!
જોઉં છું તો આતાની બીડીનો અંગારો ઝગારા મારે છે.
બધા હેયને એક ખાટલામાં બેઠા છે
પછી આતા સાલસતાથી વાત માંડે છે :
'આ…. તું પાંસઠનો તો થ્યો.
હવે ક્યાં સુધી પગ ઢસડીશ?
આ પાર આવી જા, હવે.'
મારી જીભે લવા વળે છે…
'… હજી પાંચ દસ ખેંચી કાઢું તો?'
આતાનો અવાજ ખેંચાય છે
'તો ત્યાં જ મરો અને ઢસરડા કરજો હજી.'
અચાનક એક કોમળ સ્ત્રી-સ્વર આવે છે :
'મારા કાળુને મર્ય ના કે'તા હો!
એને હજી ન્યાં રે'વું હોય તો ભલે એમ.'
હું નજર કરું છું તો
ત્યાં બીજા ખૂણામાં જમીન પર ઘૂમરો વળીને
દાદી, બા અને કાકી
લાજ કાઢીને બેઠાં છે.
મારી પીઠ પર કોઈ હાથ પસવારે છે
ફરીથી થોથરાઈને લોચા વાળું છું.
'… હજી પાંચ દસ ખેંચી કાઢું તો…?'
પછી સાવ શાંતિ ફેલાઈ જાય છે
જાણે કોઈ ત્યાં હતું જ નહીં.
હું ઢસડાતો આવીને
પથારીમાં આડો પડું છું.
ધીરે ધીરે ઊંઘ આવી જાય છે
સવારે બધું ભુલાઈ જાય છે
એ જ ઘટમાળમાં પરોવાઈ જવાય છે
ફરીથી કોઈક
અધરાત મધરાત
ગળામાં કાળી બળતરા ઊઠે
ત્યાં સુધી.
સ્રોત
- પુસ્તક : એતદ્ : જાન્યુઆરી - માર્ચ, ૨૦૨૬ (પૃષ્ઠ ક્રમાંક 249)
- સંપાદક : કમલ વોરા, નૌશીલ મહેતા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
