રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતને
મેં ચિતા પર મૂકી હળવાશથી,
બધા ઘોંઘાટ કરે કે
આખા શરીરે ખૂબ ઘી ચોપડી દો
શરીર ઝડપથી બળશે!
સૌપ્રથમ
મેં તારા કપાળ પર આંગળીઓ ફેરવી ઘીવાળી,
તું કેવો સુંદર મજાનો ગોળ લાલ ચાંદલો
ઓઢીને ઘરમાં ફરતી,
ખૂણામાં સંતાતું અંધારું પણ લાલ લાલ!
પછી તારા પગને તળિયે
તારી ખરબચડી યાત્રાનાં વરસો પર મને સ્પર્શનો લેપ કરી
તારો થાક ઉતારવાની ઝંખના હતી,
પણ તારા પગ ક્યારેય અટક્યા નહિ.
હવે મારી ઘીવાળી આંગળીઓને જોયા કરું
તું જ કહે મારા હાથ ક્યાં લૂછું?
મારી નજર પડી તારા કોરાકટ્ટ સાડલા પર
મા,
ને લૂછી નાખી આંગળીઓ!
શેરીમાંથી રમીને આવતોક
તને વળગી પડતો, ઓઢી લેતો
તારો મેલોઘેલો સાડલો
ઘરકામની સુગંધથી સુંવાળો!
મને બહાર આવવાની જરાપણ મરજી નહિ
પણ
આજે તારા કોરાકટ્ટ સાડલાની ધાર વાગી,
મને સાવ અજાણ્યો!
ઘીના પ્રતાપે
કઠોર જ્વાળાઓ ફૂંકાવા લાગી,
કોરાકટ્ટ સાડલાની હૂંફમાં તને સુખ પામતી જોવા લાગ્યો.
સ્રોત
- પુસ્તક : આપ ઓળખની વાર્તા (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : જયેશ ભોગાયતા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2013