Dhire Dhire - Free-verse | RekhtaGujarati

ભરેલી બૉટલોની પાસે

ખાલી ગ્લાસની જેમ

મને મૂકી રાખવામાં આવ્યો છે

ધીરે ધીરે અંધારું થશે

અને લથડતું લથડતું

મારી પાસે આવીને બેસી પડશે!

કંઈ કહેશે નહીં

મને વારંવાર ભરીને

ખાલી કરશે,

ભરશે ખાલી કરશે,

અને અન્તે

ખાલી બૉટલોની પાસે

ખાલી ગ્લાસની જેમ

મૂકી જશે!

મારી દોસ્તો,

તમે મૉતને નથી પિછાણતા

પછી આદમીનું હોય

કે કોઈ દેશનું

કોઈ કાળનું હોય

યા વેશનું!

બધુંય ધીરે ધીરે થતું હોય છે

ધીરે ધીરે બૉટલો ખાલી થતી હોય છે

ગ્લાસ ભરાય છે,

હા, ધીરે ધીરે

આત્મા ખાલી થતો જાય છે

આદમી મરતો જાય છે.

જે ધીરે ધીરે લથડતો લથડતો

મારી પાસે ફસડાઈ પડ્યો છે

દેશનું હું શું કરું?

મારા દોસ્તો,

તમે મૉતને નથી પિછાણતા

ધીરે ધીરે અંધારાના ઉદરમાં

બધું સમાઈ જાય છે

પછી કશું બનતું નથી

બનવા માટે કશું બાકીયે રહેતું નથી,

ખાલી બૉટલોની પાસે

ખાલી ગ્લાસની જેમ બધું પડી રહ્યું છે

ઝંડાની પાસે દેશ

નામની પાસે આદમી

પ્યારની પાસે સમય

દામની પાસે વેશ

બધું પડી રહ્યું હોય છે

ખાલી બૉટલોની પાસે

ખાલી ગ્લાસની જેમ!

‘ધીરે ધીરે’

મને સખ્ત નફરત છે

શબ્દ પર.

ધીરે ધીરે જીવાત પડે છે

અને અનાજ સડી જાય છે,

ધીરે ધીરે ઊધઈ બધુંય કોરી ખાય છે

સાહસ ડરી જાય છે.

ધીરે ધીરે શ્રદ્ધાનો લોપ થઈ જાય છે

સંકલ્પ ઢળી જાય છે.

મારા દોસ્તો,

જે ધીરે ધીરે...

ધીરે ધીરે... ખાલી થઈ રહ્યો છે

ભરેલી બૉટલોની પાસે

ખાલી ગ્લાસ જેવો

પડી રહ્યો છે

એવા દેશનું હું શું કરું?

ધીરે ધીરે

હવે મને ઈશ્વર મેળવવાની પણ ખેવના નથી

ધીરે ધીરે

હવે મને સ્વર્ગે જવાની પણ ઝંખના નથી.

ધીરે ધીરે

હવે મારે મન કશાનોય નહીં સ્વીકાર

પછી ભલે હોય ઘૃણા, ભલે હોય પ્યાર!

મારા દોસ્તો,

ધીરે ધીરે કશુંયે નથી થતું

માત્ર મૉત થાય છે,

ધીરે ધીરે કશુંયે નથી આવતું

માત્ર મૉત આવે છે,

ધીરે ધીરે કશુંયે નથી મળતું

માત્ર મૉત મળે છે,

મૉત

ખાલી બૉટલોની પાસે

ખાલી ગ્લાસ જેવું!

સાંભળો,

ઢોલની લય-ગતિ ધીમી થઈ રહી છે

ધીરે ધીરે એક ક્રાન્તિયાત્રા

શબયાત્રામાં પલટાઈ રહી છે.

સડેલી દુર્ગંધ ફેલાઈ રહી છે

નકશા પર દેશના

અને આંખોમાં પ્યારના

સીમાપ્રાન્ત ધૂંધળા થઈ રહ્યા છે

અને આપણે કોળની જેમ જોઈ રહ્યા છીએ.

(અનુ. રમેશ જાની)

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ, 1968 (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ