ઉમાશંકર જોશી
Umashankar Joshi
મૃત્યુ સાથે મેં હાથ મિલાવ્યા છે.
માનવીને હાથ મિલાવતાં ઝાઝું ફાવ્યું છે કદીયે?
પોતાનો જ હાથ એ પોતાના હાથમાં આપી
ભીંસભેર, રીસભેર, મસળી નાખવા કરે છે દુનિયાને,
નિચોવવા કરે છે બિચારી ક્ષણને.
અને છતાંય ભીતર તો ભરપૂર જાણે છે જ :
લંબાવેલો હાથ, તે તે વ્યકિતત્વનું અભિસરણ
પ્રત્યક્ષ હાજરાહજૂર; અને પેલા અગણ્ય પ્રકાશવર્ષ
દૂરના તારાનું વહાલપ-વરસાવતું દૃષ્ટિને પસવારતુ
મૃદુ કિરણ;–આ પૃથ્વી પરના, આ વિશ્વમાંના
જીવનનો આસ્વાદ તેં કાંઈ આવામાં જ.
છતાં ક્યારેક એકાએક અસ્થિઆંગળાં કડાક કરતાંક
મેળવેલા હાથની આરપાર જવા કરે;
એક કાળો ઓછાયો બ્રહ્યાંડ ધરીને વાઢતો
નક્ષત્રોનો કોળિયો કરે–આકાશગંગાને ગળી જાય.
આજના કુંભમાં ભાવિ ભરેલું મેં ભોળાએ
ઢોળાઈ ગયું એ કારમા ઓળાની ઠેસથી.
પગ નિરાધાર ઊભવાની ભોં શોધે. શોષ ઊંડો
પ્રાણને લગભગ ધડકરહિત કરી મૂકે.
હું શબ્દ બોલતો હતો? પોતે સાંભળતો ન હતો.
કીકીથી જોતો હતો હું દેખતો ન હતો.
હું શ્વાસ લેતો હતો; જીવતો હતો ઓછો જ?
૫છી તો અવારનવાર, ક્યારેક તો સુકુમાર હાથ હોય
હાથમાં, ને પેલો કારમો ટચાક અવાજ આવે.
બાથમાં પ્રિયજન, હાથમાં ધબકતું મસ્તક કે કંકાલ-ખોપરી?
આંખ જ્યાં શોધે, શોધે જીવનને નિમિત્તે મૃત્યુ.
આ માનવીય કાલ પર ભીષણ આક્રમણ મૃત્યુનું.
જીવનનાં ક્ષણક્ષણ કુસુમને મુરઝાવી કચડી દે.
મૃત્યુ–અમિશ્ર જીવનની શોધ હૈયું કર્યાં કરે.
સરી જાય અંગુલિઓ વચ્ચેથી પળ પછી પળ.
અરે–અરે આ જીવનની અસ્વીકૃતિ એય તો મૃત્યુ!
જે ક્ષણ જીવવાની શકિતને ધાર ન આપી ગઈ.
ભીતિ, સંદેહ, અનાસ્થા, વાસના,……
આ અધમૃત્યુઓ જીવન તો નથી જ
અને પ્રાણવંત વિલયને–મૃત્યુને નિઃસત્ત્વ કરી જાય છે.
મૃતવત્, જડ ભલે, જરીકે ન લીલાપણું
ભીતર મળે ભલેને. એ સ્થિતિમાંયે જો મળે
દટાઈ જવાનું, ઉપર કંઈ પડો પર પડો જામે,
એ જો પાસો નાખી શકું–સર્વનાશનો ક્યારેક
વર્ષાસ્પર્શે અંકુરિત થઈ ઊઠું નવ-જન્મે.
મરે છે મરે છે મરે છે રાતદિન,
પૂરતું મરતાં નથી આવડતું માનવીને.
મૃત્યુ, ભીરુ મૃત્યુ, કોઈની પર વિજયી તો થઈ ન શકે.
સ્વજનોને વીણી વીણી લઈ લે—એ અનો વિજ્યય!
તે તે સ્વજનની ઉપર, પણ, વિજયી એ ભલે ન હો.
મૃત્યુ ભર્યોભર્યો આ આંખોનો ખાલીપો.
મૃત્યુ કણસતો આ હૈયાનો અજંપો.
મૃત્યુ તબકતો આ જીવનનો અંધાપો.
મૃત્યુ, તડકો તેં આછોઆછો ભૂંસી નાખ્યો,
વાતચીત બધી બોદી જાણે કહી દીધી.
માનવરૂપો આ સૌ છાયાસમાં બનાવી મૂક્યાં.
એકએક વસ્તુની આરપાર મારો હાથ ચાલ્યો જાય
એવી જાણે થઈ ગઈ.
મૃત્યુ, તારો સમાસ કરવા જતાં જીવનમાં
વિસ્તરતી જતી વિભુ ભીતરતા.
એકએક કરતાં આખી પૃથ્વી જાણે ખાલી ખાલી થતી જતી,
ઊઘડતી જતી કોઈ બ્રહ્માંડ ઝાઝેરી ભીતરી સૃષ્ટિ.
એક ત્યાં ઝબકે અજવાળું
એક ત્યાં ગુંજે સ્વર
એક ત્યાં દીપે રૂપ
એક વસ્તુમાત્રમાંથી જરીજરીક ડોકિયું કરી જતી વસ્તુઃપ્રેમ.
મૃત્યુ, તારા વિનાનું જીવન જીવન ન હતું.
પ્રેમ વિનાનું તે જીવન. હવે મૃત્યુજીવન પ્રેમજીવન.
સાવિત્રી, અમર જીવન સર્જયિત્રી,
મૃત્યુ પર પ્રીતિ તારી,
મૃત્યુ પાર પ્રીતિ તારી.
તારો એ જ કીમિયોઃ અ-મૃત પ્રેમ, પ્રેમ–અમૃત.
ધીમે ધીમે પાસેના ઓરડામાં બધાં ભેગાં થતાં ગયાં જાણે,
મનમાં થતું અહીંથી ઊઠીને ત્યાં જાઉં.
પૃથ્વી, હવે તારી પ્રત્યે મારી પ્રત્યેક નજર હજો
છેલવેલ્લી હોય એવી, તૃષાભરી, મુદાભરી.
જન્મદિને કાળને ખંડિત કર્યો હતો.
મૃત્યુ,–અખંડ કાળમાં પુનઃ પ્રવેશ?
જગજનો, લો, આ મારા અહં–ખંડનો અર્ધ્ય
સુખદુઃખ અશ્રુહાસ માનાપમાન-મિશ્રિત.
જીવન,–કાળનો સ્વાદ, ક્ષણક્ષણુની ઘૂંટ;
મૃત્યુ,–અનંત સાથે એકરસ અસ્મિતા
કોઈએક ક્ષણની જવનિકા હટાવી મૃત્યુ સ્વયં બોલી રહેશેઃ
લે, પ્રભુ સાથે તારે હાથ મિલાવવા હતા ને?
સ્રોત
- પુસ્તક : કવિતા : જૂન, 1981 (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
