melo - Free-verse | RekhtaGujarati

જન્માષ્ટમીની રાતે

વસુદેવની સાથે સાથે

આખી આખી રાત

જાગતી અમારી ય નાનકડી આંખો

કરતી પ્રાર્થના મનોમન :

હે ભગવાન! કાલે ન વરસાવતો વરસાદ

તને તો ખબર છે

કાલે જન્માષ્ટમીનો મેળો છે સીમાડે...

એ દિવસે

સમીસાંજે

માના હાથમાં હોય મારી આંગળી

પકડતી – છૂટતી

ફરી પકડતી ફરી છૂટતી

ધમકાવતી : પકડી રાખજે આ આંગળી

ખોવાઈ જઈશ આ મેળામાં ક્યાંક

ચીમટા ખખડાવતા બાવાઓ હશે આટલામાં જ ક્યાંક

મદારીનો ખેલ

નાગની ફેણ

રિસાઈને પિયર જતી વાંદરી

વાંદરાભાઈની સાસરી

વાજું વગાડતો અંધ મુનિયો

દોરડા પર ચાલતી છબીલી

દસ પૈસાની આંબલી

આઠ આનામાં ચકડોળ –ઘોડા – વિમાનની સવારી

એક રૂપિયાની રબરની ઢીંગલી

બે રૂપિયાના ચૂલો – વેલણ – પાટલી

એક રૂપિયાની ટેમ્પો, ગાડી

ટિક-ટિક ટિક-ટિક ડુગ-ડુગ પોં-પોં ભોં-ભોં

હે-હે હા-હા હી-હી હૂ-હૂ હમહમ

પમપમ ચમચમ ખમખમ ઘમઘમ...

***

આ વખતે

માની આંગળી મારા હાથમાં હતી

આ વખતે

માની આંગળી પકડી રાખી હતી મેં

હું મેળામાં છું કે ખોવાઈ ગઈ છું

તે જોવા ય ખૂલતી નથી માની આંખો

ચીમટા વિનાના ક્યા બાવાઓ કરે છે ભયભીત મને

તે પૂછવા ય ઊઘડતા નથી તેના હોઠ

આ વખતે

માએ છોડી દીધી છે આંગળી

આ વખતે

શ્વાસ દેખાય એટલો સૂનકાર છે તો ય

ખોવાઈ ગઈ મા!

કોને કહું

કૃષ્ણ જન્મી ચૂક્યો છે

પણ મારી દેવકી મરી ગઈ છે

સમીસાંજે

આ વખતે

મારો મેળો ખોવાઈ ગયો!

(નવનીત-સમર્પણ)

સ્રોત

  • પુસ્તક : મોઝાર (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : પન્ના ત્રિવેદી
  • પ્રકાશક : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ
  • વર્ષ : 2023