mein kawita lakhwani sharuat kari - Free-verse | RekhtaGujarati

મેં કવિતા લખવાની શરૂઆત કરી

mein kawita lakhwani sharuat kari

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
મેં કવિતા લખવાની શરૂઆત કરી
લાભશંકર ઠાકર

કપાયેલી પાંખોવાળું કબૂતર

ક્યારનુંય

શેરીમાં ફફડ્યાં કરે છે.

વન્ધ્યાના ગર્ભાશયની

રિક્તતા

શેરીમાં થરક્યાં કરે છે.

શેરીના ખાબોચિયામાં

આજે ફરી

શતસહસ્ર જંતુઓ જન્મ પામ્યાં.

પાંડુ વર્ણનો એક વૃદ્ધ

પશ્ચિમ ભણી ડગ ભરતાં

શેરીની વિષમ ભૂમિમાં

ઠેસ ખાઈને પડી ગયો.

તેમ છતાં

એક પતંગિયું

મારી ખરબચડી કાળી દીવાલો પર

બેઠું બેઠું...

અને

મેં કવિતા લખવાની શરૂઆત કરી.

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005