rajasthan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વગડે વગડે ઝાડ ટચૂકડાં

ક્યાંક હોય તે પાન વિનાનાં ઝૂરે

ડુંગર ડુંગર ભૂરા કોરા

ઝરણ વિનાના પથ્થરિયાં મેદાન,

વસેલાં ખૂણેખાંચરે ગામ.

સૂર્યના ખુલ્લા આકાશમહીં

નિજ છબી વિનાની ફ્રેમ નીરખતું

જુગ જુગનો નિર્વેદ જીરવતું,

પ્રશ્ન વિનાનું ચિત્ત હોય ત્યમ

નિયત શાન્તિમાં પ્રસર્યું રાજસ્થાન.

ઊંટનાં સ્તબ્ધ રૂવાંશું ઘાસ,

ઘાસ પર વરસી આવે રેત,

રેતનો રંગ ઊંટની પીઠ ઉપર

ને આંખોમાં પણ ફરકે એવો.

હરતાં ફરતાં જરાક અમથા

કાન માંડતાં

મરુભોમનો શોક સાંભળી શકો તમે પણ.

માણસના ચહેરા પર જાણે

ઊંડી લુખ્ખી રેખાઓમાં

એકમાત્ર ભૂતકાળ વિકસતો,

નથી હવે ઇતિહાસ એમના હાથે...

બધો પરાજય ખંડિયેરના

કણ કણમાં ઉપસેલો દેખો.

મીરાંબાઈ છોડેલા મંદિરની

વચ્ચે જ્યોત વિનાનું બળે કોડિયું.

દેશદેશના મૃગજળ જેવી કોક પદ્મિની

જૌહરની જ્વાળાઓમાં સૌભાગ્ય સાચવે

મારા ગામે ભાગોળે બેઠેલા

ધીરે હુક્કો પીતા વૃદ્ધો માટે,

પૂજાનો સામાન ગ્રહીને જતી

કન્યકા કાજે આજે

ઊંટ તણી પીઠે લાદીને

લાવી શકતો નથી હું રાજસ્થાન.

હવે તો આંખ મહીં ટકે એટલું સાચું.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 154)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973