ફૂલવેલની કિનાર મઢ્યો
બનારસી બસમો અર્ધમાથે
મોળિયાનો કબજો
જમણા બાહુ પર નક્શીદાર
લૉકિટ અને
લલાટની જમણી દિશામાં
અંગ્રેજીના એસ–આકારમાં
પડેલી એક કેશલટ
પિતાના નામનો પ્રથમાક્ષર
પહેરી ફોટામાં સ્થિત
બાને સાક્ષાત્ વંદના
આજે નહિ કરી શકું
એમની સંકીર્તન મંડળી
સાથે મહિનોમાસ ભરવર્ષામાં
જાત્રાએ જવા જીદ કરી
નીકળી ગયા છે
ફોટા પરથી જ પૂર્વે
‘મહારાણી શાંતાબાઈ’ કહેવાણાં!
આ માતૃછવિની વંદનામાં
ઊપસે છે તેમના કપાળે
ચોંટેલો લાલ હિંગળોક
ચાંલ્લો
માતૃછવિ ઉપર જ છે
પિતાની વિવેકાનંદમુદ્રામઢી
પ્રખર પ્રતિમાશી તસવીર
પિતા માત્ર તસવીર સ્થિત
માતા જાત્રાની ટ્રેનનાં ચક્રો
પર સવાર અધુના
કંકુ... વિહોણાં.
દાંપત્યદિનની જૂની છબિમાંથી
ચાંલ્લાને હજુ સુધી
કોઈ ભૂંસી શક્યું નથી,
જેમ પિતૃનિધન
માતાની હયાતીને
હણી શક્યું નહિ.
સીલિંગ ફેનના
વાતનહોરિયાં મજબૂત
કાચને ઉઝરડો પણ
પાડી શક્યાં નથી
મા સબૂત છે, નિર્મળ છે,
બા મજબૂત છે, ભલાંગોળાં છે.
‘લાઈફબૉય’ વાપરે છે ને!
બધાંને ખખડાવી-ખખડાવીને જ ખાય છે
ખખડાવી-ખખડાવી વદાય
કરવાનો રઘવાટ જબરો.
એમનું ચાલે તો
પરિવારનાં તમામનો
આયુષ્યચરખો જલદી જલદી
ફેરવી કાઢી રેડિયો સ્ટેશન
બદલવાની ઝડપે આ લોક,
આ યોનિ, આ જન્મારો
બદલી આપે!
પદ્મા-ચંચળને સ્થાને
સમરથ બા નામ
વધુ શોભે.
પિતાને પરણવા પોતે સગાંસાથ
આવેલા-પિતા જાન લઈ
પરણવા જઈ શકેલા નહિ-
અને તેય રાતોરાત!
આ ઘઉંવર્ણાં બાના
લાડુ જેવા ચહેરાની
વિશેષતા એમની
પાણીદાર આંખોને જોતાં
મને મોસાળનું તળાવ
ભળાઈ જાય છે-
જેમાં તે કાળકા માના દેરાના
ઓટલેથી ઝંપલાવી
પડતાં ને ક્યારેય ના ડૂબતાં.
તરતાં તરતાં સિત્તેરે
પહોંચ્યા છે ને ઝડપથી
પગ ઉપાડતાં શ્વાસ પણ
ચઢતો નથી
થાક ચઢે છે ઘરકામથી
પણ એય ઘરકામને થકવીને!
તરવૈયા તેવાં જ ગવૈયાં.
‘બાઈ મને પિયરિયું સાંભરે’
ગળગળા ગળે
ગાય ત્યારે
ભૂંગળાવાળા થાળીવાજામાંથી
આણંદજી કબૂતરનું જ સ્ત્રૈણ
ગુટરગૂં ગુંજ્યા કરે ઘરમાં
વાદળ વીજળી કાટકાથી
બહુ બીવે.
પ્રભુને પ્રાર્થના કરવા લાગી જાય.
પણ કાળઝાળ આગોથી કદી ના
ગભરાય... તેમણે
મોસાળ વાવોલ ગામ
આખું આગમાં ઝબોળાયેલું
દીઠેલું ને પાદરમાં
લવારિયાંની જેમ મહિનો માસ
રહી ‘સૌ સાથ જગન્નાથ’ કરતાં
ગારાના ચૂલે રોટલા ટીપેલા.
એક લૂ ઝરતી બપોરે જ
કદાચ
પિતા આગળ
માતા પાછળ
અમદાવાદની ગલીઓમાં બા
‘દસમાડી’ ગયાં તે પાછાં ફરી
શોધવા જવું પડેલું.
પછી તો
ઘોડાગાડીમાં બેસાડીને
પિતા રોજ કથાસ્થાને
લઈ જતા.
જગત-કુતૂહલ અતિશય
દીવાલને કાન
બારણાંની તિરાડો જેટલા
અને વાતડોમાંથી જગતનું
રહસ્ય ઝમતું હોય તે
આજેય છે
સતત શ્રવણાતુર!
દંભ વગર છોછ વગર
ક્યારેક સંભળાવી પણ મારે!
રાતના અઢી વાગ્યે
મુસ્લિમોનાં બેન્ડવાજાંવાળો
વરઘોડો ગુજરે કે
જનાજો નીકળે
અગાશીના એકાદા ખૂણે એકીટશ
એકકર્ણ મા હાજરાહજૂર
ડાકોરના રણછોડરાયમાં
આસ્થા એટલી,
જેટલી આણંદના કે
ડાકોરિયા ગોળગોળ ગોટાની!
તેમની મિલકતમાં છે
કર્મકઠોર એક ધારું જીવન, જપમાળા
અને છીંકણીની દાબડી.
મૂકી આ પડાવી લેવા માટે
દાસનાં પતરવેલિયાં કે
ખમણ કદાચ પૂરતાં છે
મયણાની નાતનો
કાળો કાળો શીરો
ચમકતા કાળા ચણા
ને રાતે કદીક હાંડવો
હોય તો એઓ
ચિરાયુ અશ્વત્થામાને
કદાપિ ના કંટાળવાનો
બોધ, જીવી બતાવીને
જરૂર આપી શકે!
લીલો સૂકો મસાલો
કે શાક ભાગ્યે જ
ખરીદ્યું.
અમદાવાદ તજવાનું તો
સ્વપ્નમાંય ભાગ્યે જ
વાંછ્યું હશે.
છાપાંનાં હેડિંગનું
બેડિંગ બાંધી તે
ગમે તેટલે યાને
ઘરના ખૂણે જ
વિશ્વને શ્વસવા
તૈયાર છે.
કામ તેમનો આહાર છે
એ ના હોય તો
તે નિરાહાર છે
કામ સાથે કામ
કામ સાટે કામ
નિષ્કામતા એમની
સકામતામાં જ
સંનિહિત. તેમના હસ્તમાં
પાણી તાણવાના પંપનું
હેન્ડલ, દુર્ગાના
કરકમળના ત્રિશૂળથી
જરીકે ઓછી
શોભાવાળું નથી!
પરોઢની પાંચ વાગ્યાની
તેમની સ્પેશિયલ ‘ચા’
પીવા મળે તો
શેખચલ્લીનો ગાડવો
તેના માથેથી
એ દહાડે તો ના
જ ગબડી પડે!
પણ હું તો
બની ગયો છું
માતાની ચાહના
પાન પછી શેખ!
ગતજન્મના કોક
આર્તનાદોના સંસ્કાર સંગાથે
અવતરેલો બહુ રોતો હતો...
બાને થયું હશે આનું
રુદન એળે ના જ જવા દેવું.
મોટા થઈ તેણે
‘અરણ્યરુદન’ આલેખવું ના પડે.
પુત્રનો ‘ફેરો’
ફળવો જ જોઈએ.
એટલે દયા કરી માતાએ મારા
બાલ્યકાળના મુખમાં, કહે છે કે
થોડુંથોડું અફીણ
ઓરવા માંડેલું.
મોંમાંથી ફીણ તો
નહિ નીકળ્યું હોય
પણ એક પ્રશાન્ત ઘેન
પ્રગટ્યું હશે
કહો કે માતાએ
નિદ્રાસન આપ્યું જે
આજના ઇન્દ્રાસનસ્થોનેય
નસીબ નથી.
મારાં અનેક
‘હોમરઝોકાં’ની
બક્ષિસ મને
મળી છે બા પાસેથી,
એટલે તેમની છબિ
સમક્ષ ઊભો રહી
પિતાના શબ્દો સ્મરું :
‘માતૃમુખી સદાય સુખી.’
ચિર-આયુ વરદાન સાથે
માતૃવંદના અહીં પૂરી કરું.
સ્રોત
- પુસ્તક : આકાશની ઉડુયનલિપિ (પૃષ્ઠ ક્રમાંક 68)
- સર્જક : રાધેશ્યામ શર્મા
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2006