ankho shun kamni hoy chhe? - Free-verse | RekhtaGujarati

આંખો શું કામની હોય છે?

ankho shun kamni hoy chhe?

મણિલાલ હ. પટેલ મણિલાલ હ. પટેલ
આંખો શું કામની હોય છે?
મણિલાલ હ. પટેલ

‘રોશની’ હોસ્પિટલમાં મને

આંખના ઑપરેશન માટે લઈ જાય છે

ગાડીની બારીના ફિલ્લમ લગાવેલા કાચમાંથી-

જોઉં છું :

ફૂટપાથ પર દિવાળી વેચાય છે

‘શોપર્સ સ્ટોપ’ તો ખરીદીનો આનંદ -

માણતા ભદ્ર વર્ગ માટે જ...

અહીં તો રસ્તા પર લોકો આનંદ ખરીદવા મથે છે -

થોડો સસ્તો આનંદ; ખિસ્સાને મોંઘો પડતો આનંદ!

કોઈ આદિવાસી બાઈ! વતનગામ જવા ઉતાવળી

એને માથે રંગબેરંગી આનંદની પોટલી!

પેલા ચોરાહા પર ખુશીઓ -

માપી માપીને ખુશીઓ ખરીદે છે લોકો...

કોઈ બાળક સાથે પત્નીને ફોસલાવે છે - પ્રેમથી!

મારામાંથી કોઈ મને પૂછે છે:

‘તારે કંઇ ખરીદવું છે? બોલ શું જોઈએ છે તને-?’

શૈશવમાં ફટકડાની જિદ્દે

બાપુજીએ લાફો ચોડી દીધેલો - હજી ચચરે છે દિવસો

હિબકે ચડી ગયેલો તે માએ છાતી સરસો વળગાડીને

ઢબૂરી દીધો હતો એના સાડલા સાથે સોડની ઉષ્મામાં

બંને ભૂખ્યાં સૂઈ ગયાં હતાં - પરસ્પરને વળગીને

સવારે માએ ગલીપચી કરી હસાવેલો ને -

તાસકમાં ધરી દીધો હતો સાંજનો લાડુ

મા આંગણમાં લીમડા નીચે

આકાશથી વરસતા નવા વરસના

સૂરજમાં જુદી લાગતી હતી પ્રણામી મુદ્રામાં

બને તો દિવસ

સાંજનાં હિબકાં, માના સાડલાની સુગંધી ઉષ્મા -

સોડ મને જોઈએ છે -એ સૂરજમાં ભીંજાતી મા-

આંખના ઑપરેશન પછી પણ આપી શકશો તમે -??

તો પછી, શું કરવાની હોય આંખો?

આપણે પાછા વળી શકીએ? આટલેથી -

સ્રોત

  • પુસ્તક : વિચ્છેદ (ગ્રામચેતનાની કવિતાનો સંચય) (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સર્જક : મણિલાલ હ. પટેલ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2006