matrumudra - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માતૃમુદ્રા

matrumudra

યજ્ઞેશ દવે યજ્ઞેશ દવે
માતૃમુદ્રા
યજ્ઞેશ દવે

આજે રવિવાર ઉઘાડા ડિલે

નહાઉં છું નિરાંતે

ચોળી ચોળીને

ઘસી ઘસીને

ને ઓચિંતી આંગળી અટકી જાય છે અચાનક

દૂંટી પાસે

ધીરે ધીરે ધારે ધારે ફેલાતા ફીણના

ક્ષીર-સમુદ્રમાંથી પ્રગટે છે

ચોખ્ખેચોખ્ખી દેખાય છે દૂંટી.

નાભિ

મારી કાયામાં રહેલી

બરોબર મધ્યે રહેલી

ક્યારેક અલપઝલપ અરીસામાં જોયેલી

મનના માળિયે વિસારે પડેલી

કદી નજરે ચડેલી નાભિના

સંભળાય છે નાભિશ્વાસ.

નાનકડી નાભિ.

જાણે માએ ત્રોફેલે છૂંદણું.

નાભિનાળથી જોડાઈને તરતો રહ્યો

તારા બ્રહ્માનંદ સહોદર ઉદર સરોવરમાં જાણે

વિમલ પ્રફુલ્લ કમલ

વણાતો હતો તારી સાળમાં

એક ધક્કે ધકેલાયો જાળમાં

તણાતો રહ્યો તાણમાં.

ભીની મારી પાંખ સૂકવું

મોં પરની માખ ઉડાડું

પૂર્વજન્મની પોથી પૂરી ઉઘાડું

તે પહેલાં

તે પહેલાં તો

એક નાળથી છોડાવી

વળગાડે છે બીજી ડાળ

પોપટ આંબાની ડાળ

પોપટ સરવરની પાળ

હોમે છે ઝાળઝાળ.

લાચાર થઈને જોતી રહી તું મને

તારો નાનકો

નામના ગલમાં ફસાતો

બસમાં ધક્કા ખાતો

રૅશનની લાઇનમાં ઊભો રહેતો

વરસોના ફાફડા ભરતો

ખોટા રૂપિયાની જેમ

માતૃમુદ્રાને લઈ રઝણતો ફરે છે આમતેમ.

જીતવા માટે નહીં

પણ હવે તો જીવવા માટે પણ

રોજરોજ ચડવું પડે છે જુદ્ધે.

તારા ગર્ભગૃહનો દેવ

તારો લખેણો વીર

તારી આંખુનું રતન રોળાય છે રેતીમાં.

ઘટઘટમાં ઘાટ ઘડતો ઘડવૈયો

ઘડી શક્યો મને

તેં મને ઘડ્યો

પણ ભરી સભામાં કોઈ બીડું ઝડપે તેવા ગર્વથી નહીં

પણ તને પોતાને પણ

જરા સરખી જાણ થાય તેમ.

પગથી શરૂ કરું કે માથાથી

મૂરતાં છે કે કમૂરતાં

ધનારખ છે કે મીનારખ

એવી કશી ઘડભાંજમાં પડ્યા વગર

ઘડ્યા કર્યો મને.

અંદર ને બહાર

નજીક અને દૂર

પહેલાં અને પછી.

બીડામાંથી

પીડામાંથી

અંડમાંથી

પંડમાંથી ઘડ્યો તેં પંડ

ક્યાંય નહીં મીનમેખ

સ્વચ્છ સુરેખ

નીર, ક્ષીરથી ખીર સુધી

ઊંકારથી ૐકાર સુધી

નિરાકારથી આકાર સુધી

આકારથી નિરાકાર સુધી લઈ ગઈ તું.

જોઈ છે મેં તને

ઘુમાતી કટાતી કજળતી

ઘસાતી, ઢસરડા કરતી

પંડ સાથે ઢસડાતી ફસડાતી

કાયાની પૂણીને કાંતતી

કંતાતી.

‘સુખદુઃખ મનમાં આણિયે’ના તટ પર ઊભી

ગીતાનું બધું જ્ઞાન ભૂલી

મારા સુખે સુખી

મારા દુઃખે દુઃખી થતી.

કૂખમાંથી કાખમાં બેસાડતી

તેડી તેડીને ફરતી

હળવી હલકે હાલરડાં ગાતી

કાગડાની ઊંઘે અલપઝલપ સૂતી

તેડવા આવતી મને સ્કૂલે

પરીક્ષા વખતે શુકનની સાકર ખવરાવતી

ભરેલા ભીંડાનું સાક બનાવતી

ચોખ્ખો સાંધેલો સાડલો પહેરતી

ધીખતા તાવમાં પોતાં મૂકતી

મોડી રાતે મારી રાહ જોતી

શેરીના ખૂણે ખોડાયેલી

સટાસટ પિતાની સોટીના સોળ વચ્ચે

મારી સાથે જડાઈ ગયેલી

પાસ થવાના પેડાં વહેચતી

મારી વહુને પોંખતી

ઘર જુદાં થયે મને

મારું ગમતું ટેબલ આપતી

તારી કૂખમાંથી ખોળામાં

ખોળામાંથી ફળિયામાં

ને ફળિયામાંથી નીકળી

દૂર દૂર જતો જોતી રહી તું

ફરી ક્યારેય આવ્યો તારા ફળિયામાં

તારા ખોળામાં

ગોટમોટ ભરાઈ શક્યો તારા ઉદર દરમાં

તું જતી રહી મારા પરિઘની બહાર

તોય હું તો રહ્યો તારા કેન્દ્રમાં.

સુકાઈને ખરી જાય છે નાળ

સરકીને સુકાઈ જાય છે વરમાળ

મરી જાય છે મા,

મરી જાય છે મિત્ર,

મરી જાય છે પ્રેમ ઊંડે ઊંડે

કોઈ અવાજ વગર

પણ ખરતી નથી

મરતી નથી,

નાભિ

કેન્દ્રમાં રહે છે નાભિ

નાભિમાં રહે છે કેન્દ્ર

ભળી નથી ગઈ વિશાખા, આશ્લેષા, શતભિષામાં

ભળી નથી ગઈ માટીમાં,

પણ ભળી ગઈ છે મારામાં,

નાભિથી નભ સુધી લઈ ગઈ તું

આજે તું નભમાંથી મારી નાભિમાં.

સ્રોત

  • પુસ્તક : વાત્સલ્યમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2009