marun nam ganesh wenugopal - Free-verse | RekhtaGujarati

મારું નામ ગણેશ વેણુગોપાલ

marun nam ganesh wenugopal

સૌમ્ય જોશી સૌમ્ય જોશી
મારું નામ ગણેશ વેણુગોપાલ
સૌમ્ય જોશી

(શિવાકાશીનાં ફટાકડાથી ફૅક્ટરીથી આવેલો પત્ર)

સાહેબ

મારું નામ ગણેશ વેણુગોપાલ,

બાપાનું વામ વેણુગોપાલ કુટ્ટી,

માનું બી નામ છે, સરસ્વતી.

મારા નાનાભાઈનું નામ તિરુપતિ,

બઉ નાનો છે એટલે કામે નથી જતો.

સાહેબ મારી ઉંમર વરસની છે અથવા તો ૧૧ વરસ જેટલી હશે.

મારું કામ કાગળિયામાં દારૂ ભરવાનું છે.

મારો રંગ કાળો છે.

મારા હાથનો રંગ પણ કાળો છે.

ખાલી પંજા હોયને સિલેટિયા છે, દારૂને લીધે,

કાગળ તમને એટલે લખું છું સાહેબ,

કે મારો એક દોસ્ત બી છે, બાલાજી.

એક મહિના પહેલાં મરી ગયો,

કદાચ મારાથી મોટો હતો,

૧૦ વરસનો અથવા ૧૨ વરસ જેટલો હશે.

એવું કેતો’તો કે એને એક દાદા છે ને એને વાર્તાઓ કહે છે.

રામન કહેતો કે જુઠ્ઠું બોલે છે,

પણ અમે એને કીધું નઈ કે અમને એનું જુઠ્ઠું ખબર છે,

કારણ કે રાતે બઉ કામ હોય ને બઉ ઊંઘ આવતી હોય

ત્યારે વેંતિયાઓની મસ્ત વારતા કહેતો,

મારા દાદાએ કીધી એમ કરીને.

રામન કહે તો કે સાચ્ચે તો એના દાદા એના જનમ પહેલાં મરી ગયા,

બધ્ધાના દાદાની જેમ.

જુઠ્ઠું બોલતો પણ બઉ મસ્ત હતો સાહેબ.

મારો પાક્કો ભઈબંધ હતો.

ફૅક્ટરીમાં મારો પહેલો દિવસ હતો ત્યારે એકદમ ફાસ્ટ દિવેટો બનાવતો’તો,

મારે એની બાજુમાં બેસવાનું આયું,

સહેજ મોટેથી બી બોલતો’તો અને ડરતો બી ન’તો.

પછી મારા નાકમાં પહેલી વાર દારૂની કચ્ચર ગઈ,

પછી મારી આંખ બઉ બળી,

પછી મને ઠંડી ચડી,

પછી મને તાવ આયો,

અને પછી એણે મને બઉ બીવડાઈ દીધો સાહેબ,

એણે કીધું આટલા ગરમ હાથે દારુને અડીશ તો મોટો ધડાકો થશે ને તું મરી જઈશ.

પછી હું ગભરાઈ ગયો,

પછી સુપરવાઈઝર અયો ને મા પર ગાળ બોલ્યો,

પછી હું રડવા જેવો થઈ ગયો,

એટલે બાલાજીએ મારા ખભા પર હાથ મૂકીને કીધું.

મારે એક દાદા છે ને મને વારતા કે’ છે,

પછી થોડા દિવસ પછી હુંય એના ખભે હાથ મૂકવા માંડ્યો,

પછી બઉ દિવસ પછી મને ખબર પડી કે ફૅક્ટરીમાં એનોય પહેલો દિવસ હતો.

તોફાનીયે બઉ હતો સાહેબ.

એવું કહેતો કે આપણે ફૅક્ટરીમાંથી રોજ થોડો દારૂ ચોરીએ,

તો મોટા થઈએ ત્યાં સુધીમાં એક મોટો ગોળો બની જાય.

પછી ગોળાથી આપડે સુપરવાઈઝરને ઉડાઈ દઈશું અને સેઠને બી.

અમે ચાર વરસ જોડે રહ્યા સાહેબ અથવા ત્રણ વરસ જેટલું તો હશે જ.

એવું કહેતો’તો સાહેબ,

કે એને હાથીના દાંતવાળાં અને માંસ ખાય એવા સિંહનાં સપનાં આવે છે.

અને હાથમાંથી ચણ ખાય એવા મોરનાં સપનાં આવે છે.

અને લાકડીથી પૈડું દોડાઈને

એની પર બેસીને જંગલમાં જતો રહ્યો એવાં સપનાં આવે છે,

અલે પરીઓનાંય.

એક વાર એણે મને પૂછ્યું ‘તને શેનાં સપનાં આવે છે?’

મેં કીધું, ‘કામના’.

તો એણે કીધું ‘તું જુઠ્ઠું બોલે છે.’

હું સાચું બોલતો’તો સાહેબ, જુઠ્ઠું બોલતો’તો, હેં ને?

પછી દર મંગળવારે કે ગુરુવારે એવું કહેવા માંડ્યો,

‘કે પેલી બારીમાંથી કૂદીને આપડે બેય મોટા શહેરમાં જતા રહીએ,

ત્યાં ઓછા કામના વધારે પૈસા મળે છે.’

પણ હું ના પાડતો’તો.

મને મારો ભઈ બઉ ગમે છે સાહેબ અને મા બી.

પછી મરી ગયો.

ગયા મહિને, સોમવારે અથવા રવિવારે.

એને તાવ આવેલો,

એણે મને કીધું’તું ‘તું મારું થોડું કામ કરી આપે તો હું ૨૦ મિનિટ જેટલું સૂઈ આવું.’

મેં કીધું, ‘કરી આપીશ.’

હું કરી આપત સાહેબ પણ પછી આગ લાગી,

બધા દોડવા માંડ્યા,

ક્યાં સૂતો’તો મને ખબર નહોતી,

મેં એને શોધ્યો’તો સાહેબ,

તમે કોઈને બી પૂછજો, હું છેલ્લો નીકળ્યો’તો,

ગોડાઉનના ફટાકડા ફૂટવા માંડ્યાને, છેક ત્યારે મને બીક લાગી,

પછી હું મેદાનમાં આવીને બધ્ધાની જોડે ઊભો રહ્યો.

પછી બધ્ધાયના બાપા આવ્યા

પછી હુંય મેદાનમાં આવીને બધાની જોડે ઊભો રહ્યો.

પછી બધાના બાપા ત્યાં દોડતા આયા.

મારા બાપાએ મને જોયો એટલે જોરથી પકડી લીધો, એકદમ જોરથી એટલી વાર મઝા આઈ'તી સાહેબ.

પછી અમે ઘેર આયા.

પછી મા રડી.

પછી અઠવાડિયું ફૅક્ટરી બંધ રહી.

પછી બાલાજી ક્યાં રે'તો'તો એય મને ખબર ન'તી.

પછી હુંય રડ્યો .

પછી બઉ ઊંઘ્યો,

આખું અઠવાડિયું.

પછી ફૅક્ટરી ચાલુ થઈ.

હું ઘેરથી નીકળતો'તો ત્યારે મારી માએ મારી સામે જોયું.

એને મારી દયા આવે ત્યારે મને એની બઉ દયા આવે છે સાહેબ.

પછી હું ફૅક્ટરીએ ગયો.

ત્યાં બધાને ખબર હતી કે બાલાજી મરી ગયો છે.

પછી અમે રડયા.

પછી કામ ચાલુ થયું.

પણ તમને કાગળ કેમ લખું છું કહુ સાહેબ?

કાલે રાતે બાલાજી મારા સપનામાં આયો.

અને એણે કહ્યું કે મર્યો નથી.

એણે કહ્યું કે આગ નજીક આઈ પણ સરસ સપનું ચાલતું'તુંને એટલે એને જાગવું નહોતું.

ઊંઘતો રહ્યો, ઊંઘતો રહ્યો.

ને જાગ્યો ત્યારે શહેરમાં હતો.

તમારા શહેરમાં સાહેબ.

ને એણે કીધું કે તમારું શહેર મસ્ત છે.

ને ત્યાં ઓછા કામના વધારે પૈસા મળે છે.

ને રાતની સ્કૂલે જવા મળે છે.

ને સ્કૂલમાં રાતનું ખાવાનું, બે જોડી કપડાં ને એક જોડી બૂટ મફત મળે છે,

ને મોટા થઈએ એટલે શિક્ષક બનવા મળે છે.

એણે કીધું કે ત્યાં એને દોસ્તારોય છે.

અને ત્યાં દિવાળી છે.

અને આકાશમાં સાત ધડાકા ફૂટે એટલે એના દોસ્તારોને કે' છે કે ફટાકડો શિવાકાશીના એના ભઈબંધ ગણેશ વેણુગોપાલે બનાયો છે.' પછી એણે એવું કીધું કે, ‘તું અહીં આવી જા.’

પછી આપડે શિક્ષક બનીને આપડા ઘરવાળાઓને અહીં લઈ આઈશું. હવે મને ખબર નથી પડતી સાહેબ.

એટલે તમને કાગળ લખું છું.

સાચ્ચું કે'તો હોય તો હું સાચ્ચે ત્યાં આઈ જઉં.

તમે મને કાગળ લખીને કે'જો ને સાહેબ, કે ખરેખર ત્યાં છે કે નઈ? અને ખાસ તો એવું કેજો કે તમારું શહેર કે' છે એવું છે કે નઈ?

કે' છે એવું હોય ને તો હું સાચે ત્યાં આવી જઈશ.

આવતી વખતે આગ લાગે ને ત્યારે હુંય ઊંઘતો રઈશ.

પણ જૂઠ્ઠુ બઉ બોલતો'તો સાહેબ.

ને મને મારો ભઈ બઉ ગમે છે ને મા બી.

ને મારી માને બી હું બઉ ગમું છું ને ભઈને બી.

તમે કાગળ લખીને મને કે'જો ને સાહેબ,

કે સાચું બોલતો'તો કે જૂઠ્ઠું?

ખાસ કહેજો હોં સાહેબ.

હૅપ્પી દિવાલી

ગણેશ

સ્રોત

  • પુસ્તક : ગ્રીનરૂમમાં (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : સૌમ્ય જોશી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008