marnottar - Free-verse | RekhtaGujarati

મરણોત્તર

marnottar

રમેશ પારેખ રમેશ પારેખ
મરણોત્તર
રમેશ પારેખ

હું મરી ગયો.

અંતરિયાળ.

તે શબનું કોણ?

તે તો રઝળવા લાગ્યું.

કૂતરું હાથ ચાવી ગયું

તો સમળી આંતરડાનો લચકો ખેંચી ગઈ

કાગડા મજેથી આંખો ઠોલે

કાન સોંસરી કીડીઓ આવે-જાય

સાલું, સાવ રામરાજ ચાલે...

પવન દુર્ગન્ધથી ત્રાસીને છૂ

તે વાળ પણ ફરકે

–ને બાજુ સાંજ પડું પડું થાય.

ઘેર જવાનું તો હતું નહીં.

આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.

હું સારો માણસ હતો.

નખમાંય રોગ નહીં ને મરી ગયો.

કવિતા લખતો.

ચશ્માં પહેરતો.

ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભાં છે.

પાછળ ઘર કલ્પાંત કરતું હશે.

અને એમ સહુ રાબેતાભેર.

ખરો પ્રેમ માખીનો

જે હજી મને છોડતી નથી.

હું બિનવારસી,

ને જીવ સાલો કોઈને પેટ પડી

સુંવાળા સુંવાળા જલ્સા કરતો હશે

પણ કાકો ફરી અવતરશે

ને માણસગીરી કરશે, હી હી હી...

- આમ વિચારવેડા કરતો હતો.

તેવામાં

બરોબર છાતી પર

ના, ના. ઘડીક તો લાગ્યું કે અડપલું કિરણ હશે.

પણ નહોતું.

છાતી પર પતંગિયું બેઠું'તું...

પતંગિયું...

આલ્લે...

સડસડાટ રૂંવાડાં ઊભાં...

લોહી ધડંધડાટ વહેવા માંડયું

ઓચિંતી ચીસ નીકળી ગઈ કે

હું મરી ગયો નથી...

સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઈશ?

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989