mari nenki bun jaan roi’ti - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારી નેનકી બુન જાણ રોઈ’તી

mari nenki bun jaan roi’ti

સૌમ્ય જોશી સૌમ્ય જોશી
મારી નેનકી બુન જાણ રોઈ’તી
સૌમ્ય જોશી

ઘડી ને આજનો દણ મન રડવાનો વ્યચાર બી નહિ આયો.

દાડે તો પસેડીનાય પરસેવા સૂટી જ્યા’તા મારા પરસેવા લૂસી લૂસીને.

ભાથામાં કાંકરા આયા’તા તો ઘ્યોરનું પેટ ફાટફાટ થતું’તું.

ઢોલિયોય એવો થાકી જ્યો’તો કે પડ્યા ભેગો કરડવા ધોડ્યો ઘોડીનો.

દિવસ આખો પથારી ફેવરીન હોંજના ટેમે રૂપ્પાળો થઈને સૂરજબી સફ્ફઈઓ ઠોકતો’તો ઈની જાતની.

ફરિયાની તાર પર મારી બુનનાં ફાટીને લટકેલાં લૂગડાંમોંથી પોણી ટપકતું’તું.

ને મન સરમ આવતી’તી મારાં ટપકતાં પરસેવા પર.

ફરિયાની તાર પર તંઈ માર પાનેતર લટકતું જોવું’તું.

જાત આખી વેતરી નાખી તોય મારી બુન બચારી છાણાં લેંપતી રહી ગઈ.

નેની હતી તાણ ભેંસના ગોબરમાં પગ બી નો’તી પડવા દેતી મારી નેનકી.

મારી નેનકી મારથી મોટી હોત તો?

તો ઈન બોલાઈન ઈના ખોળામેં બે ઘડી રોઈ લીધું હોત.

પણ ઓંખ્યોનાં ભમ્મરિયા કુવામોં પોણીયે એટલાં ઊંડાં ઊતરી જ્યાં’તાં ઈન બા’ર નેકારતાં આખો ભવ નેકરી જાય.

કૂવામાં તરવા જેવું કોંય બાકી નો’તં રયું.

ને તોય મારી છબાક છીછરી ઓંખોનાં છાલિયામોં,

ધબાક લઈને ભૂસકા મારતી’તી રોજ ઘોડીની હાંજો.

હામે હુક્કો પડ્યો’તો,

જેઠા ભરવાડની જેમ વ્ચચારોને હૈડ કીધું ને હુક્કો લીધો હાથમોં...

તૈં મને ડૂસકું હંભળાયું,

ઉંબરે ઊભી મારી નેનકી રડતી’તી.

રૂંવાડાં ઊભાં થઈ જ્યા, હાથ ઈમનો ઈમ ઠરી જ્યો હુક્કા પર,

ને રાંડવાના મુઢામથી રાડ નીકરી બોલ કૂણ રડાઈસ તન?

ભાયડો હસે તો ઈન છક્કો કરીન તારી જોનમાં ટાપોટા પડાઈસ

ને બાયડી હસે તો ઈનો ઘાઘરો ઉતારીન વેકી મારે બજારમોં બાજરાના ભાવે.

પણ આજુબાજુ કોઈ નો’તું.

મું હતો, મારી બુન હતી, ડૂમો હતો ને ડૂસકાં હતાં.

નેનકી રડ તો બીજું કરવાનુંય હું?

મન તો પેલું બધું યાદ આઈ જ્યું, પે’લાનું,

એટલે ધૂળિયા ઘોડિયામોંથી ઘૂઘરા કાઢ્યા,

ઘૂઘરા હસાયા મારા હાથમાં ઈન હસાવા માટે પણ ઈનાં ડૂસકાં હસ્યાં નઈ.

રેડિયો ચાલુ કર્યો તૈં બોનનાં ધીમી ગતિના હમાચાર આયા

ને મારી બુનની ઓંખોથી કૂવા ઊભરાતા’તા ધીમેધીમે.

ઈમ થઈ જ્યું કે હવ કૂની ખડકી ખખડાઉં તો મંઈથી પોંચ-હાત ભોટકા નેકરીન લખોટીઓનો દરબાર પાથરી

દે મારા આંગરાનાં કૂંડારામોં,

ને મારા આંગરાનાં કૂંડારામોં,

ને મારી બુન ઓંટી દે એકાદ પોણીદાર કંચો.

ઈમ થઈ જ્યું હવ કૂનો કોટ કૂદીન અજાણી ભેંસનાં આંચળ દોઈન મારી બુનને પસલી ભરીન દૂધ પાઈ દઉં.

ઈમ થઈ જ્યું હવ કઈ ગાયનાં પૂંસડે ગોંઠ વારીન મારી બુનને કઉં જા સોડી આય તો મું તારો ભઈ.

મૂસોની રાવટી નીચી થઈ જઈ થઈ જ્યું ડૂસકાની માને પૈણે કૂતરાં.

હુક્કાન લાત મારીન ખભે ગોફણ લટકાઈન કીધું હેંડ,

કીધું હેંડ તન કાચી કેરી કાતરાં લીંબોરીઓ પાડી દઉં.

વનરાઈમાં પોપટ બી રામરામ બોલે કીધું હાંભરવું સ?

જેઠા ભરવાડનું ડોબું તરવા પડ્યું કીધું જોવું સ?

કીધું હેંડ તન વડલાની વડવઈ ના હમ,

કીધું હેંડ તન વડલાના હીંચકાના હમ,

કીધું હેંડ તન વડલે ઝૂલવાના હમ,

કીધું હેંડ તન અણઘડ વીરલાના હમ.

ને નેનકી બોલે પે’લાં તો ઈની ઓંગરી ઝાલીન બા’ર લઈ આયો.

ખોરડાને હોંપી દીધો હાંકરનો હાથ ને હેંડવા મોંડ્યું પાદર ભણી.

બા’ર નેકર્યો તૈં હમજ્યો

દયોરનું ઘરથી ખેતર ઘરથી ખેતર પાક ઉગાડવાં આખું ગોમ હુકઈ જ્યું માર માટ તો.

હતું બાર નેકરીસ એટલે બે પોંચ ગલૂડિયાં અલગોથિયા ખાસે મારા ટોંટિયા આગર,

ત્યોં તો હડકાયા પોંહરિયા વાંહે થ્યા ઘોડીનાં,

પે’લી ગોફણ વીંઝઈ એક કારિયાની ઓંખ પર,

એક ઘા ઓંખ ટંકઈ જઈ પણ ડૂસકાં હસ્યાં નઈ.

અમરઈએ પોં’ચ્યો તૈં ખબર પડી કે કેરીઓ તો સોકરોં પાડી જ્યા’તા.

તૈં ખબર પડી કે અમ તો મોટાં થઈ જ્યા’તા.

ને લીલીસમ વનરઈમોં પોપટ બી એવા વણઈ જ્યાતા કે દયોરનાનાં હોધ્યાં જડતાં નો’તાં.

જેઠા ભરવાડનું ડોબું તરીન ચ્યારનુંય નેકરીન ખીલીએ ઠોકઈ જ્યુંતું.

પાદરે વડલો ઊભો’તો ઈમનો ઈમ,

પણ વડવઈનાં થડિયાં ને મૂળિયાં થઈ જ્યાં’તાં,

મારા ગોમમાં ઝૂલવા જેવું કોંય બાકી નો’તું રયું.

મારી નેનકીને આલવા જેવું કોંય બાકી નતુ રયું.

ભમ્મરિયા કૂવામોં પૂર આયું,

મારી ઓંખ્યોના ગોખલામોં પોણી ઊભરાયું છેક તાણ મન ખબર પડી

કે મીં નેનકીની ઓંગરી નો’તી ઝાલી,

નેનકીએ મારી ઓંગરી ઝાલી’તી.

કે મીં નેનકીને કોંય નો’તું કીધું, નેનકીએ મન કીધેલું,

કે વનરઈમોં પોપટ બી રામરામ બોલે કીધું હાંભરવું સ?

કે જેઠા ભરવાડનું ડોબું તરવા પડ્યું કીધું જોવું સ?

કીધું હેંડ તન વડલાની વડવઈ ના હમ,

કીધું હેંડ તન વડલાના હીંચકાના હમ,

કીધું હેંડ તન વડલે ઝૂલવાના હમ,

કીધું હેંડ તારી નેનકડી નેનકીના હમ.

તાણ મન ખબર પડી મારી વડવઈ તો થડિયું મૂળિયું થઈ જઈ સ.

મારી નેનકી મોટી થઈ જઈ મું હાવ નેનકો.

મન રડવાનો વ્યચાર આયો એટલ નેનકી રોઈ’તી.

મારા હુક્કા કૂવામોં ટૈ...મ દઈન ડોલ અથડઈ’તી તોય પોણીનાં કૂંડારાં થ્યાતાં નેનકીમાં.

દા’ડે પાદરના ઘડલાખખ વડલા નીચે,

મું મારી નેનકી, ધ્રુસકે ધ્રુસકે હસી પડ્યાં.

ઘડી આજનો દણ

મન રડવાનો વ્યચાર બી નહીં આયો.

સ્રોત

  • પુસ્તક : ગ્રીનરૂમમાં (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : સૌમ્ય જોશી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008