mari kawita - Free-verse | RekhtaGujarati

મારી કવિતા

mari kawita

સાહિલ પરમાર સાહિલ પરમાર
મારી કવિતા
સાહિલ પરમાર

મારી કવિતા

એનાં ગંદાં વસ્ત્રોમાં

મારા જેવી કંગાળ

હજી યે ઝંખે છે સ્વીકૃતિ

મૅગેઝીનનાં રેશમી ચીકણાં

પાનાંઓની

હજી વાંકદેખી દૃષ્ટિએ જોવાયેલી

આંખ આડા પડળથી

હજી યે અદીઠ

સંભળાયા વિનાની

પડી છે અર્ધચેત

મારી કવિતા

મારા જેવી ગામઠી

ઊભી છે

ઇન્ડિયન લિટરેચરના

ઉંબરે

હજી યે

અન્ય પરિધાન માટે

પ્રતિબંધિત

મારા આક્રોશમય

ચહેરા જેવી

તાંબાળી લાલ

ઊભી છે દૂર

એકલી

બહિષ્કૃત

મારી કવિતા

મારા જેવી ગાંડીઘેલી

રખડે છે ચાલીમાં,

મહોલ્લામાં અને ચોરાહા પર

અને ગંદી ચાલીઓમાં

દૂરના ઉવેખાયેલ

અણવિકસિત ગામડા જેવી

નોકરશાહ બાબુ સંસ્કૃતિથી

ઉવેખાયેલ મારી કવિતા

મારી કવિતા

મારી જીભ જેવી

અસભ્ય

અને મારા જેવી

અસ્પૃશ્ય

સભ્ય, સુસંસ્કૃત

સાફસુથરા વિવેચકો દ્વારા

મૂકી દેવાયેલી બાજુ પર

ભુલાયેલી

તરછોડાયેલી

મારી કવિતા

સ્રોત

  • પુસ્તક : મથામણ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : સાહિલ પરમાર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2004