Mari Jem - Free-verse | RekhtaGujarati

ના પાડી’તી

ચોખ્ખી ના પાડી’તી અરવલ્લીના ડુંગરોને

છતાંય સતત સાત કલાક સુધી પૂછ્યા કરી બસ એક વાત

એને શું કહું?

સત્તાણુંની સાલ તો પાળિયો બની ખોડાઈ ગઈ છે

મારી મનસીમમાં

અને મારી વાર્તા

ડિસેમ્બરમાં જળ સરોવરે આવેલા

કોઈક અજાણ્યા પક્ષીની જેમ સ્થળાંતર કરી ગઈ છે.

માનું છું ધ્રૂજતી સવાર

બળબળતી બપોર

કૈં મુશળધાર વરસાદના ભાગ્યમાં

ચિરંજીવી થવાનું લખ્યું નથી

કોઢમાં ભાંભરતી ભેંસ

તરસ્યા પથિકની પ્રતીક્ષા કરતી નદી

મહોલ્લાની ધૂળમાં આળોટતું અનાથ ગલૂડિયું

વૃક્ષની ટોચે આકાશ તરફ મીટ માંડીને બેઠેલું ચાતક

સહુ મારા ગોત્રમાં લાગે છે

કૂણો તડકો વિસ્ફારિત નયને જોતો રહ્યો મને

તીખા તડકાની જિજ્ઞાસા ઘટી

કુતૂહલતા વીંટળાઈ વળી’તી સાંજના ઠાવકે ચહેરે

સંધ્યા તો બની ડુંગરની સંગાથી

શું કહું સહુને

તળેટીથી, પાછા વળીને જોયા અરવલ્લીના ડુંગરોને

ફરી એક વાર તો...

ઊભા’તા સાવ ઓશિયાળા મારી જેમ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2005 (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2007