mari ek warni premikane balak janmyun chhe - Free-verse | RekhtaGujarati

મારી એક વારની પ્રેમિકાને બાળક જન્મ્યું છે

mari ek warni premikane balak janmyun chhe

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
મારી એક વારની પ્રેમિકાને બાળક જન્મ્યું છે
ઉદયન ઠક્કર

મારી એક વારની પ્રેમિકાને બાળક જન્મ્યું છે

એવું કોઈએ કહ્યું

ત્યારે હું રામકૃષ્ણ લૉજમાં રાઈસ પ્લેટ જમતો હતો.

મારે વિચારવું જોઈતું હતું—

દીકરો આવ્યો કે દીકરી

પણ મેં વિચાર્યું કે

વેઈટર ઠંડી ઠીબરા જેવી ચપાટી મૂકી ગયો છે.

સાલો હાડકાનો હરામી છે અને જીભનો છૂટો.

વખતે એણે ટીપને ગુમાવી.

પણ આજે જ્યારે મન એકલું છે

અને શાંત પણ

ત્યારે વિચારું છું કે શું

એની રૂંવાટી પરનું કાંચન

એણે બાળકની રૂંવાટી પર પણ છાંટ્યું હશે?

શું એનું બાળક પણ શુભ્ર અને ઉન્નતગ્રીવ હશે?

પછી મૂરખની જેમ વિચારું છું—

શું બાળકની આંખમાં

મારી વ્યાકુળતાનો અંશ પણ હશે?

ભઈ શું સમય હતો

કે એકેએક દિવસ

અત્તરની શીશી નહિ

પણ પવાલું લઈને ઊગતો.

એની છબી છવાયેલી રહેતી

મારા પૂર્ણ આકાશ પર.

વિસ્તારપૂર્વક કહું તો—

મધ્ય-આકાશમાં એના કેશ,

પૂર્વાકાશમાં, સાઠ અંશને ખૂણે, ભ્રૂકુટિ,

પચાસ અંશ પર આંખો,

ત્રીસ પર ઓષ્ઠ,

અને પૂર્વ ક્ષિતિજે હડપચી.

(પહેલી-પહેલી પ્રેમિકાનું વિરાટરૂપદર્શન,

સમજી ગયા ને?)

અથવા તો એમ કહું

કે એના સુવર્ણ અશ્વત્થમાં

શતકંઠે કલશોર થતો હતો.

એમાંનો હું એક “ચીં” હતો.

મારો કશોય સ્વરવિશેષ નહોતો.

પણ વૃક્ષને ઘસાઈને

તેજ આવતું,

એમાં ઝગમગીને મને આભાસ થતો કે ના,

હું પણ દેવચકલી છું સોનેમઢેલ.

જો કે હસવાની વાત તો છે, મહેરબાન,

કે વર્ષો સુધી નજરને

એનો ચહેરો જોવામાંથી નવરાશ મળી.

બંદા તો એના ચહેરાની ચુંગાલના બંદી હતા!!

(સારો શબ્દપ્રયોગ છે, નહિ—

ચહેરાની ચુંગાલના બંદી!)

સ્કર્ટ પહેરતી, કે પંજાબી

એની કોણી મેલથી કાળી રહેતી?

કેટલી જોડી ચપ્પલ રાખતી એ?

રૂમાલ ખોઈ નાખતી?

મહિને એક વાર વૅક્સીંગ કરતી

ડિઝાઈનવાળી બ્રા પહેરતી?

પહેરતી કે નહિ?

મને ખબર નથી મને ખબર નથી.

એના ચહેરાથી અલાવા મને કોઈ કશી વિગત ખબર નથી.

તંગ સમય હતો.

એના ચહેરાના પરિઘ બહાર

લટાર મારવા જઈ શકી

તો મારી દૃષ્ટિ

તો અટકળ.

એવો વિચાર આવ્યો

કે કરમાતી બપોરે

એની ગરદનની મ્હેક કેવી ખીલતી હશે?

અર્ધો કલાક બસસ્ટૉપ પર ઊભી રહ્યા બાદ,

શરીરનો ભાર

ડાબા પગથી જમણા ઉપર મૂકે

કેવું લાગતું હશે?

આપણો વાંસો ઉઝરડાઈ જાય

એવા તીક્ષ્ણ હશે એના ન્હોર?

કામનાથી ઉદ્દીપ્ત એવો એનો અવાજ

શું કાળા ગભરુ પંખીની જેમ

ફફડતો હશે?

શું કદીયે હાથ અડકાડવા દેતી હશે

એના સાથળની ખિસકોલીઓ?

મહેરબાન, સમ ખાવા પૂરતો

આવો એક વિચાર પણ આવ્યો.

તો પણ,

જલસો હતો સાહેબ!

મુગ્ધ અને પહોળી આંખના દિવસો હતા.

ટેકરી ચડી ગયા પછી

તળેટીનાં બળબળતાં જંગલો દેખાય, એમ,

આજે

સ્મરણો આકર્ષક દેખાય છે.

સ્રોત

  • પુસ્તક : એકાવન (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સર્જક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1987