ગગન ગિલ
Gagan Gill
એક ઘરના આંગણામાં, બેટા
આપણે ક્યારેય નહીં આવીએ
એ ઘરના આંગણામાં તું
એમ જ વ્યગ્ર ઊભો રહીશ
માની જુવાનીથી માના બુઢાપા સુધી
માનાં સપનાંમાં જ્યારે જ્યારે આવીશ
આટલી જ ઉમ્મરમાં ફસાયેલો રહીશ –
બે અઢી વર્ષની ઉમ્મરમાં
સફેદ કુરતો-પાયજમો તારો એમ જ ચમકશે
વર્ષોવર્ષ
ઘરના ઘાસ પર
માની ઊંઘમાં મરીશ, બેટા
માનાં સપનાંમાં જીવીશ....
માનાં સપનાંવાળા જે ઘરમાં તું છે
એની એક તરફ નદી છે, બીજી તરફ પહાડ
તને કોઈનાયે ભયનો અંદાજ નથી, બેટા
ક્યાં સુધી ઊભો રહીશ તું.
ઘરની બહાર? ભીના ઘાસ પર?
ન્યૂમોનિયા જકડી લેશે તારી નાનકડી છાતીને...
મા તારી સપનાંમાં
બારીના તડકામાં બેઠીબેઠી
કંઈક પાનાં જેવું ઉથલાવે છે,
તું કેમ ઝૂકીશ બેટા, એનાં તડકાભર્યા ૫ાનાં પર?
તું કેમ રમીશ, બેટા, પપ્પાનાં ચશ્માંથી?
તું તો એ ઘરની બહાર છે....
મા કે પપ્પાનું કોઈ પુસ્તક કેમ ફાડીશ તું?
આ ઘરમાં બેટા, તે કદી નહીં આવે
દર વર્ષે આ મોસમમાં મા તને ગરમ કપડાંથી ઢાંકશે,
અને દર વર્ષે તું એની ઊંઘમાં મરીશ...
કેવી મા છે તારી
જે આવી વાણી બોલે છે તારે માટે?
તું શું કામ મરે ભલા?
નથી હજી તારો કૂરતો મેલો થયો,
નથી નાનકડા પગ પર ભીની માટી ચોંટી...
પણ બેટા, ઠંડી તો ચડી ગઈ છે ને
આખા પહાડની તારા શરીરમાં,
બર્ફીલી હવાએ તો ઘેરી લીધા છે તારા શ્વાસને,
સપ્ટેમ્બરની આખર છે આ
આની પછી તો વધુ મુશ્કેલ થશે...
ક્યાં સુધી ઊભો રહીશ તું?
સપનાંવાળા ઘરના આંગણામાં મા હવે ક્યારેય નહીં આવે...
લાકડું થઈ જશે એની છાતી,
લાકડું, જે તને હૂંફ નહીં આપી શકે...
માની જિંદગીની આ મોસમમાં શું ખાઈને મરીશ, બેટા?
માટી, ઘાસ, બરફ –
પહેલાં કોને ખણીશ તારા નાના હાથથી?
બસ, માની ઊંઘ નહીં ખણતો કદી
એમાં એનાં સપનાંની માટી ભરાયેલી હશે,
બરફ પણ, ઘાસનું તણખલું પણ...
જીવ-કોષ હજી તારા
પિતાના શરીરમાં જ છે ગુચ્છાગુચ્છા
ઊંઘમાં ચાલતી મા
પહોંચેય તો કેમ પહોંચે તારી પાસે?
આખી દુનિયાનાં પુસ્તકો જ્યારે વાંચી લેશે તારા પિતા
પાછા જ આવશે આખરે
આ ઘરમાં
ત્યાં સુધી બેટા, તું અહીં જ રહેજે, આમ જ
વાંઝણી કુંવારી માતાઓની પ્રેત-ઇચ્છાઓમાં
જેમ રહે છે બાળકો –
સારાં બાળકોની જેમ...
(અનુ. ધનવિદ્યા મહેતા)
સ્રોત
- પુસ્તક : કવિતા : ઑગસ્ટ 1985 (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
