mara wicharone - Free-verse | RekhtaGujarati

મારા વિચારોને

mara wicharone

ગુલામમોહમ્મદ શેખ ગુલામમોહમ્મદ શેખ
મારા વિચારોને
ગુલામમોહમ્મદ શેખ

મારા વિચારોને બંધ મુઠ્ઠીમાં ઝાલેલ કાચની કણીઓની જેમ ભીંસું છું,

ચામડીની ભોગળો ભાંગે છે

અને એની કડેડાટી આંખોમાં ઘોડા દોડવી મૂકે છે.

બાળપણમાં થોરને બાથ ભરવી'તી તે અધૂરી રહી ગઈ.

જુવાની ફૂટી તો શેળાને મુઠ્ઠીમાં કચડવો'તો,

કાળા ખેતરની પોચી જમીન સંભોગવી'તી,

એટલે સ્તો

હાથમાં આવ્યું તેને વીંખ્યું, પીંખ્યું, ચાટ્યું, પલાળ્યું,

ફાડ્યું, ફોડ્યું, ઢોળ્યુ અને ધરબ્યું માટીમાં,

જોરે તો આજ લગી પહેરી રાખી જિજીવિષા,

માણુસાઈને ઝેરના પડીકાની જેમ સંઘરી રાખી.

—જિવાતું જાય છે

ભાઈબંધો મોઢે ચૂનો ચોપડી દીવાલોની હાંસી કરે છે,

અને કવિઓ/મારા વ્હાલા દોસ્તો/કફનના ભાગીદાર

વસૂકી ગાયોની જેમ પોતાના આંચળ ધાવે છે—

તેમ જિવાતું જાય છે.

મારો જીવ

જીભ વગરના બાળકની જેમ

ધૂળને ધાન ગણી ચાવે છે.

ધૂળ મોઢામાં

ધૂળ મારા પગમાં;

કોક છેડાવો મને

મેં જેને કાગળની છબી ગણેલી આરસો

મારા લેાહીમાં લબકારા લે છે.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989