રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક આખેઆખો કલ્પ સદીઓના ચકરાવા સમેટી
આ ક્ષણે પગનાં તળિયે આવી ઠર્યો છે.
મારી પેઢીઓના ભૂંસાયેલા નક્શા
હથેળીમાં ઊંડા પહોળા વ્રણ આંકી ચૂક્યા હોય તે ઘડી
ઊંબરા પૂજવા વલવલતી આંગળીઓ વહેરાઈ જાય,
તરડાતી જતી ત્વચાય જૂઠી પડી જાય.
મને તસોતસ વળગી બેઠેલી મારા વંશની મારી પૂર્વજ સ્ત્રીઓ,
એકાએક જ સ્મશાન ભૂથી બેઠી થઈ એકાકાર થતી રહે –
મારી ઘરવખરીની રખાવટમાં,
મારી એકેક ક્રિયામાં, મારી વાસનામાં ને મારામાં.
પેઢી દર પેઢીથી છાતીમાં ઝીંકાયેલા ખાલીપાને
મારા ઉંબરે જડબેસલાક ખોડી દેતી મારા વંશની સ્ત્રીઓ.
રોજ સંધ્યાકાળે ઊઘડતી રહે મારા ઘરને ગળી જતા અંધારમાં.
દિવાલોમાંથી ખરતો રહે ચૂલાના ધૂમાડા અને
છાણ-વાસીદાંની સુવાસથી ભર્યો-ભાદર્યો એમનો સૂનકાર.
માથાંબોળ ન્હાતાં વાળમાં ફોરમતા રહે અરીઠાં ને
જૂઈ-બોરસલીનાં વેણી ગજરા.
આંગણામાં ખોરડાનાં મોભ સમા ઝાડ હેઠે બેસી
ઘરની વહુઆરુ માટે ફૂલ ગૂંથતી આંગળીઓની
આંટણો પેઢીઓથી મારા વંશની દીકરીઓને સારતી રહી છે.
વંશની ઓળખ એવાં શિવ-શક્તિ અને શાલિગ્રામનો –
અછોડો છાતીની વચોવચ રહે એમ – આ બધી
સ્ત્રીઓએ ભેગી મળી મારા ગળામાં નાખેલો – મને
લૂગડાં આવેલાં તે દિવસે.
આજે પણ એ ચકતાંની ધારથી ચામડી છોલાય છે.
છાતીનાં દૂઝતાં વ્રણમાંથી ઝમતાં રહે એમનાં મૂંગા આર્તનાદ.
રાત્રે બારીમાંથી ચળાઈને આવતા ચંદ્રનાં ઝાંખા
પ્રકાશમાં છત, છો ને દિવાલો પરે એમના પડછાયા.
પરંપરિત તાલબદ્ધ પરંપરિત નૃત્ય કરતા પડછાયા.
કોરીધાકોર આંખ પર પડછાયાના ઘા વડે
દૃષ્ટિમાં તિરાડ.
તિરાડો સાંધવા મથું તો હાથ લકવાગ્રસ્ત.
મારા વંશની સ્ત્રીઓએ વેઠેલા આકરા ઉજાગરાએ
મારી એકેએક રાતને આંધળી કરી મૂકી છે.
વારસામાં મળેલાં એમનાં ઘરેણાંના ઘાટ ઉકેલતી રહી છું
આજ લગી.
ઝીણાં નક્શી કામમાં કોઈ એ રીતે શોધી શકી નથી એ રૂપ –
એ આકાર જે હું પોતે વારસામાં આપી શકું.
જળોની જેમ મારા જીવિતને ચસોચસ વળગેલી
પેઢીઓના નક્શા અને એની રેખાઓએ આંકેલા વ્રણ
આગતની માટી તળે દાટી દેવાં છે હવે તો.
ઘ્રાણેન્દ્રિયો અને ત્વચામાંથી પેઢીઓ જૂની સુવાસ અને
બળતરા ય મૂળ સમેત ઉખાડી કોક અવાવરું વાવમાં
પધરાવી દીધી છે ક્યારની.
પૂર્વજ સ્ત્રીઓના પડછાયા હવે મારામાં જ સમેટી
ઘરની છત, છો ને દિવાલો અજવાળી દેવી છે
જેથી મટી જાય દૂઝતા ઘા જેવા એમનાં
રહ્યાં સહ્યાં અવશેષોનાં નામોનિશાન.
વારસામાં હું આપી શકું
નવું નક્કોર ઉજળું ઘર, તાજાંફૂલ અને
સુંદર – સરળ ઘાટ.
સ્રોત
- પુસ્તક : શબ્દસૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 23)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2008