mara gamni nadi - Free-verse | RekhtaGujarati

મારા ગામની નદી

mara gamni nadi

રમેશ આચાર્ય રમેશ આચાર્ય
મારા ગામની નદી
રમેશ આચાર્ય

મારા ગામની નદીની વાત થાય.

છતાં જો કહેવી હોય તો

એમ કહેવાય કે

મારા ગામની નદી

મારી નાની બહેન મુન્નીના

માથામાં નાખવાની બોપટ્ટી જેવી છે.

અથવા

મારા ગામની નદી

મારા મામાને ઘેર મારી મા

લાપસીમાં વાઢીથી ચોખ્ખું ઘી રેડતી

તેના ચાલતા રેલા જેવી છે.

અથવા

મારા ગામની નદી

નાના બાળકને મોઢું આવ્યું હોય

ત્યારે તેના મોઢામાં પાડવામાં આવતી

બકરીના દૂધની શેડ્ય જેવી છે.

અથવા

મારા ગામની નદી

મારી માએ બનાવેલી કઢીમાં

નાંખેલા મીઠા લીમડાનાં પાંદની

આવતી ને વહેતી સોડમ જેવી છે.

સ્રોત

  • પુસ્તક : ઘર બદલવાનું કારણ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : રમેશ આચાર્ય
  • પ્રકાશક : લટૂર પ્રકાશન
  • વર્ષ : 2013