maph karje, dost raghla - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માફ કરજે, દોસ્ત રઘલા

maph karje, dost raghla

રાજુ સોલંકી રાજુ સોલંકી
માફ કરજે, દોસ્ત રઘલા
રાજુ સોલંકી

માફ કરજે, દોસ્ત રઘલા,

તારી જેમ શાકુંતલને માથે મૂકી

નથી નાચી શકાતું મારાથી.

હું તો રહ્યો ગામ પાટણનો માલો.

કાચા કુંવારા મારા કાનમાં

ધગધગતું સીસું રેડાયું

ત્યારથી,

આંખોને ઘેરી વળ્યું છે

ઉપનિષદોનું આધ્યાત્મિક અંધારું,

બોલ... કહે!

કાળા અક્ષર કુહાડે કેમ મારું!

માફ કરજે, દોસ્ત રઘલા.

મારો તો આખો ‘અધમ’ અવતાર એળે ગયો છે.

મોંહે-જો-ડેરાથી મુંબઈની

ગંધાતી ગટરોના મેનહૉલમાં.

બોલે કહે...

તારા ‘ભવ્ય ઇતિહાસ’નો ટૉઇલેટ પેપર

ગંધ કદી બંધ કરી શકે ખરો!

માફ કરજે, દોસ્ત, રઘલા.

ઢોરાંથી માંડ દોઢ દોકડે વેચાતી મારી જાતને

તારા દરબારનાં ‘નવરત્નો’થી મોંઘેરી માનવાની ભૂલ

મારાથી થાય એમ નથી.

મને મળી ચૂક્યો છે વસમો ‘વસવાટ’

તારા

‘સુવર્ણયુગ’ના ઉકરડા વચ્ચે.

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : પ્રવીણ ગઢવી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2012