mane shun puchhe chhe ke - Free-verse | RekhtaGujarati

મને શું પૂછે છે કે

mane shun puchhe chhe ke

ચિનુ મોદી ચિનુ મોદી
મને શું પૂછે છે કે
ચિનુ મોદી

મને શું પૂછે છે કે

તડકો પ્હેરીને અમે કોને ઘેર ગ્યાં'તાં?

પાણી વ્હોરીને અમે કોને ઘેર ગ્યાં'તાં?

હું તો સ્વ-સ્થાને–માળામાં પરોવેલા મણકા જેવું હરું ફરું

મને ક્યાંથી જાણ હોય કે

ચાંદો ચોડીને તમે કોને ઘેર ગ્યાં'તાં?

ખીલો છોડીને તમે કોને ઘેર ગ્યાં'તાં?

ડર પામી જવાય એટલો હું ડઘાયેલો છું

તાણી બાંધેલા તંબુ જેટલો ખોડાયેલો છું

અને તમારી સાથે જોડાયેલે છું

જંગલને જેમ ઝાડ છે

પાણીને જેમ પ્હાડ છે એમ સ્તો.

આમ તો અમસ્તો, પણ, દરિયા વચ્ચે બેટ બેટ હોઈ શકે

હોઈ શકે

આકાશમાં હાથી હોઈ શકે,

વાદળનાં હોઈ શકે.

જન્મ મૃત્યુ વગરનાં ફૂલ હોઈ શકે,

કાગળનાં હોઈ શકે.

પણ, એથી તમને ઓછું પુછાય કે

આંબો ઓઢીને તમે કોને ઘેર ગ્યાં'તાં?

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989