mane manas mate kharekhar man chhe - Free-verse | RekhtaGujarati

મને માણસ માટે ખરેખર માન છે

mane manas mate kharekhar man chhe

નીતિન મહેતા નીતિન મહેતા
મને માણસ માટે ખરેખર માન છે
નીતિન મહેતા

મને તો સાચે માણસો માટે માન છે

કે જે અંધારામાં અથડાઈ પડે છે

કે ટ્રેનમાં ઊંઘી જાય છે ને

ભળતે સ્ટેશને પહોંચી જાય છે

મને માણસ માટે માન છે કે હજી

તેને પાંખો ફૂટી નથી

હજી તેને અસ્થમા જેવા રોગ થાય છે

તે ગુસ્સામાં બીજાને મારી શકે છે

ને વારંવાર પોતાની વાત પણ કરી શકે છે

મને માણસ માટે હજી માન છે

ફર્નિચરની વાત કરતાં તેનું મોઢું પડી જાય છે

એક સાંજે તે કોઈની રાહ જુએ છે

આત્મહત્યાના વિચારો કરે છે

ચાવીઓ ખોઈ નાખે છે

ભૂતકાળને ખોદ્યા કરે છે

મને માણસ માટે ખરેખર માન છે

તે હજી ઝઘડી શકે છે

મૂંઝાય છે, રઘવાયો થાય છે,

એકબીજામાં શંકાનો વિશ્વાસ જગાવી શકે છે

મને ખરેખર માણસ માટે

માન છે ને તે મને ગમે છે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 395)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004