mara waDwa - Free-verse | RekhtaGujarati

મારા વડવા

mara waDwa

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
મારા વડવા
દિલીપ ઝવેરી

મારા વડવાઓમાં કોઈ રાજા-બાજા હતા કે કોઈ જાગીરદાર

કોઈ વહાણવટી કે કોટી-પેઢીવાળા શેઠ

દીવાન નહીં મુનીમ નહીં

સરદાર નહીં સિપાઈ નહીં

કોઈ ચોક શેરી કે હવેલી એમના નામની નહીં

અંગૂઠાછાપ દાદાનું નામ છપાયું પહેલી વાર

નાતની પત્રિકાની મરણનોંધમાં

ધરમધ્યાનના નામે વરસમાં એકાદી અગિયારસે

દાદા ઘી રેડીને મોરિયો અને રાજગરાનાં વડાં ખાય-ખવડાવે

અને શેકેલી સિંગ ફોલી ફોલીને ચાવતાં છોકરાં છોતરાં ઉડાડે

પરસાદ માટે મોટા મંદિરે કોક વાર હડી કાઢીએ

સત્સંગ વિવા ચૂંટણી કે નોરતાંના સરખે સરખા માંડવે

પકડાપકડીની ભાગદોડ ધમાલ

કોણી ઢીંચણ છોલાય તો ઘડીભરનો ભેંકડો

ને વળી પછી બાંયથી નાક લૂંછીને ખડખડાટ

એક વાર કારણ વિના બબડાટે ચડેલી માને

બાપે અડબોથમાં દીધાનું

કે નિશાળના માસ્તર સામે મૂતર્યાં માટે

મને લાફો માર્યાનું યાદ

પણ જયારે ચાલીના પાણીના નળને

મકાનમાલિકે ત્રણ દિવસ લગી રિપેર કર્યો છતાં

ભાડું લેવા આવેલા ભૈયાને બંડીથી ઝાલી

ખમીસનો કાંઠલો તાણી ધક્કે ધક્કે ધમકાવતા બાપની યાદથી

હજી ચડે છે ચણચણાટી

દંગા-સનસનાટીભર્યા દિવસોમાં - સાલનું તો ઓસાણ નથી

અમારી ઓરડીમાં ઘૂસી બારણાં પાછળ સંતાયેલી

માથે કાળા ઘૂમટાવાળી બાઈ

અને આગળના બે દાંત પડેલી નાનકી એની ગૌરી દીકરીને દેખી

એવી રણઝણાટી થઈ હતી

છજાને કઠેડે પગ ચડાવી બીડી ફૂંકતા દાદાની પીઠે

વઢવડ કરતી દાદીએ

નાકે આંગળી મૂકી સૌને મૂંગા રાખી

એમને સાથે ખાવા બેસાડેલાં

અને એમનાં ઠામડાં અળગાં રાખવાનું કહીને

‘એક ઓર રોટલી લે લે' બોલતાં

પોતાના છાલિયામાંથી રીંગણાં બટેટાં એમની થાળીમાં ઠાલવી દીધેલાં

‘મેરેકુ યે વાયડા શાકભાજીસે ગેસ હોતા હે' કહીને ઓડકાર ખાતાં

આવા મારા હવાઈ વડવાઓમાં કોઈ રાજવાડી-નામેરી નહીં

દાદાનો એક ભાઈ બાંડો એને ફિટ આવતી

દેવી ચડતાં ધૂણતી બાપાની એક ફોઈ કોઈ અણ્ણાને પરણેલી

મારી માના બાપે ઈંટભઠ્ઠીની નોકરી કરતાં કરતાં

રોજ એક એક ચોરેલી ઈંટ માથે ફાળિયામાં બાંધી લાવી

ફળિયામાં ઘર બાંધેલું

મારી માસીને ટીબી

ખાદી-આઝાદીના દિવસોમાં મારો મામો જેલ જઈ આવેલો

મારો કાકો સાઇકલની ટ્યુબમાં દેશી દારૂની હેરાફેરી કરતો

મારી મા રોજ બપોરે પાપડ વણવા જતી

હું બારમીમાં ફેલ

અને માચિસના કારખાને નોકરી કરું છું

મારો બાપ હજી મુનસિપાલિટીના પાણીખાતામાં છે

કોઈ મોદીના ચોપડે અમારી ઉધારી નથી

મને અભિમાન છે કે અમારું નામ કોઈ છાપાની મરણનોંધમાં નહીં આવે

કારણ કે અમે મરવાના નથી.

સ્રોત

  • પુસ્તક : ખંડિત કાંડ અને પછી (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સર્જક : દિલીપ ઝવેરી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2014