જખ બોંતેરા
jakh bontera
વસંત જોષી
Vasant Joshi

સામટા હણહણે છે
બોંતેર અશ્વો
મારી આસપાસ
ઘરઘરાટમાં ઊડે છે
થાકેલા અશ્વોના ફીણગોટા
કેટલું અંતર કાપીને આવ્યા હશે?
ધવલ
ફ્લેમીંગો જેવા
જાણે દેવતાઈ દૂત
તીરકામઠાંને બદલે બંદૂકો હશે
તેના ખભે
અટક્યાં અહીં
ખબર નથી આગળ જવાની
ટેકરી ચડ્યાં પછી ઊતરાતું નથી
શ્રધ્ધામાં કેદ
ગોઠવાઈ ગયા છે
હારબંધ
થાકેલા
ધવલ
બોંતેરા
(સપ્ટેમ્બર–૯૪)



સ્રોત
- પુસ્તક : ક્ષિતિકર્ષ (પૃષ્ઠ ક્રમાંક 19)
- સર્જક : વસંત જોષી
- પ્રકાશક : व्यंजना (સાહિત્યિક અભિગમની સંસ્થા)
- વર્ષ : 2000