aajni raat - Free-verse | RekhtaGujarati

આજની રાત

aajni raat

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે

રાત્રિને કહો કે આજે એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,

રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા ફૂલની પાંખડી માફ્ક

સામો આવે,

વૃક્ષોને કહો કે એનાં પર્ણોમાં કોઈ અજબની રાગિણી વગાડે,

હવાને કહો કે આજની રાત ધીમેથી લહેરાય

આજની રાત હું ઉદાસ છું

અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે.

બ્રહ્માંડમાં બજી રહેલું અલૌકિક સંગીત

મારા કાને અથડાય એવું કરો,

મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં નેપૂર સાંભળવાં છે;

મધદરિયે મોજાંને પહેરાવેલાં વલય મારે ઉતારી લેવાં છે;

વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને

બે હાથ લંબાવી માપી લેવા છે;

આજની રાત હું ઉદાસ છું

અને મારી ખોવાયેલી પ્રસન્નતા મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે.

મિલનાં ઊંચાં ભૂંગળાંને કોઈ ચંદનની અગરબત્તીમાં પલટાવી દો,

સિમેન્ટ-કૉક્રીટનાં મકાનોને કોઈ સરુવનમાં ફેરવી દો;

આંખની કીકીઓને કોઈ ચન્દ્ર પર ચિટકાડી દો;

માણસોનાં ટોળાંને કોઈ સાગરની લહેરોમાં લહેરાવી દો;

આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ હસી લેવું છે.

(ર૦-૧૧-૧૯૭૧)

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : 2