મેઘનાદ હ. ભટ્ટ
Meghnad H. Bhatt
કિશોર
કહેવાય છે કે
મહાબળેશ્વરમાં મૌનના પ્હાડ છે
કહેવાય છે કે
માથેરાનમાં મૌનની ખીણ છે
પ...ણ
આ૫ણને ક્યાં અડે છે મહાબળેશ્વર-માથેરાનની આણ?
આ૫ણને ક્યાં નડે છે મૌનની તાણ?
આપણે તો
કોઈ ૫ણ પ્રયત્ન વિના
રચી શકીએ છીએ
મૌનનું મ્યુઝિયમ.
એકબીજાના સાન્નિધ્યમાં
મૌનનો મહિમા પણ
માણી શકીએ છીએ આપણે.
એથી જ
આપણા બે વચ્ચે
અવાચક સેતુ બનેલ ટેલિફોનને
બોલકો કર્યા પછી પણ
નક્કામી વાતોના ખડકલાથી
અલગતાનું આવરણ રચી દીધું છે આપણે
આપણી વચ્ચે!
નક્કામી વાતોની આ પાર હું
નક્કામી વાતોની પેલી પાર તું
હવે તો
રંગમ્હેલના દશ દરવાજા બંધ કરી દઈએ!
ને કદાચ એકાદ બારી ખુલ્લી રહી જાય
તોય
કોણ આપણા વચ્ચેના અભેદ ભેદને ભેદી શકવાનું હતું?
આપણી નક્કામી વાતો
આ૫ણને છતા કરી શકતી નથી
છતાં
છતા ન થવા માટે
નક્કામી વાતો સિવાય
બીજો ઑથાર પણ ક્યાં છે આપણી પાસે?
રસ્તે ચાલતાં ચાલતાં મોતને ભેટતા સેંકડો માણસોની વાત કરી
આપણે ટેલિફોન પર એકરાર ઉચ્ચારીએ છીએ.
કોઈક અણજાણ સ્થળે થયેલ પ્લેઇન ક્રેસની વાતો કરતાં કરતાં પણ
ગમગીનીની ગત ઉચ્ચારીએ છીએ આપણે!
જે ચૂટણીમાં આપણે મત નથી આપવાના
એના પરિણામની
અને એ પરિણામની
આપણા પર ન થવાની અસરની પણ વાત કરીએ છીએ આપણે.
પણ....
આપણે આપણી જ વાત કરતાં નથી, કિશોર!
કારણ
આપણી વચ્ચેનું મૌનનું બરફ
ઑગળે નહીં એની આપણે પૂરતી કાળજી રાખીએ છીએ.
આપણે એકબીજાની પાસે છતા થવું નથી
કારણ
આપણે એકબીજાના મિત્રો છીએને!
આપણે
આપણી મૈત્રીનો મલાજો
તો પાળવો જ રહ્યોને, કિશોર!
સ્રોત
- પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1980 (પૃષ્ઠ ક્રમાંક 5)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
