makan chanawi rahyo chhun - Free-verse | RekhtaGujarati

મકાન ચણાવી રહ્યો છું

makan chanawi rahyo chhun

તુષાર શુક્લ તુષાર શુક્લ
મકાન ચણાવી રહ્યો છું
તુષાર શુક્લ

મકાન ચણાવી રહ્યો છું.

આર્કિટેક્ટ ને એન્જીનીયરે એમનું કામ પૂરું કર્યું છે

હવે કાગળ ઉપરાંત કોમ્પ્યુટર પર પણ

જોવા મળે છે એનું 3D રુપ.

બન્યા પછી જેવું લાગશે મકાન

લગભગ એવું.

એમાં દેખાડેલા વૃક્ષ પણ તૈયાર આવવાના છે.

જોકે, એમણે મુકેલી ત્રણ કાર જરા વધુ પડતી છે

પણ તો એમનો સ્નેહ છે મારા માટેનો

આમ તો બધું કોન્ટ્રાક્ટર પર છોડ્યું છે

પણ તોય હું ચક્કર મારું છું રોજ - સાઈટ પર.

મને કન્સ્ટ્રક્શનમાં કૈં ગતાગમ નથી પડતી

પણ તોય.

અમારું હાલનું ઘર

શહેરમાં અમારું પહેલું મકાન છે.

પહેલાં દાદાજીનું ઘર હતું, ગામડે.

એના નળિયા સમારવા દાદા જાતે છાપરે ચડતા.

અમે વેકેશનમાં જતા, મજા આવતી.

અમારું હાલનું ઘર બનતું ત્યારે પપ્પા રોજ જતા

એમનેય કૈં સમજ તો ન્હોતી પડતી પણ તોય.

હુંય જતો એમની આંગળીએ

બાંધકામ માટે આવેલી ઈંટ પર

ભિસ્તી પાણી છાંટતો, મશક વડે.

મને એનું આકર્ષણ હતું.

પપ્પા ઈંટ હાથમાં લઈને જોતા-

બરાબર પાકી છે ને!

(પપ્પા આવું કેરીને લઈનેય કરતા-

સૂંઘતા પણ ખરા.

કહે કે ઈંટની માટી જમીનમાંથી ખોદે,

પછી પાણી રેડે અને ગૂંદે

ને પછી ભઠ્ઠામાં તપીને બ્હાર આવે ત્યારે

પાછા પાણી છાંટી ઠારે.

ઉપયોગમાં લેતા પહેલાં ચકાસે

કે બરોબર પાકી છે ને?

સૂંઘતા નહીં

પણ) પાણી છાંટીએ ત્યારે

ઈંટમાંથી સુગંધ તો આવતી!

સુગંધમાં એની આખી યાત્રા સમાઈ હોય.

એનું અનુસંધાન તો જાય ક્યાંનું ક્યાં!

(જમીન પર તો લીટીઓ દોરાય

પણ અંદર તો જમીન એક ને!)

જાય છેક દૂર દૂર

સ્થળ અને સમય બંનેને અતિક્રમી પહોંચે

બીગ બેન્ગ સુધી

એનો અવાજ પણ કાન માંડો તો સંભળાય ઈંટમાં

નજર કેળવો તો દેખાય

ઝળહળતો પ્રકાશપૂંજ સ્થિર થતો ઈંટમાં

માટી થઇને મળે ગ્રેટ રિફ્ટ વેલીમાં

મળે એના પર આદિ સ્ત્રી પુરુષનાં પગલાંની છાપ ઋષિવર્ય સ્વહસ્તે રચે યજ્ઞવેદિ

ને કરે આહ્વાન યજ્ઞપુરુષને

કાન માંડો તો સંભળાય ઋચાગાન

- સૂર્યસ્તુતિ.

રાની પશુઓની ત્રાડ

તોફાની પવનના સૂસવાટ,

દરિયાનો ઘૂઘવાટ

રણની ઉડતી રેત વંટોળમાં

ક્યાંક દોડતી જાય નદી પ્રવાહમાં

ક્યાંક ધરબાયેલી રહે હિમાચ્છાદિત

હરપ્પા-મોંહેં જો ડેરો-લોથલ

વસ્તી વસે -ટીલા થાય

-વસ્તી વધે -ટીલા થાય

માટીનો વંશવેલો જાય છેક પિરામિડમાં

ઇન્કાના સામ્રાજ્યમાં

માચુપિચુના ખંડેરમાં

ચંગેઝખાનના અશ્વની ખરીઓથી ઉડે માટી

અણુબોમ્બના ધડાકે વેરવિખેર માટી

ક્યાંક સમાય

મીઠું ઉપાડતા મહાત્માની ચપટીમાં

ક્યાંક પથરાય

પંચશીલના આરાધકનાં અસ્થિ સાથે

દેશની ધરતી પર

ક્યાંક ખરે બુદ્ધની તૂટતી વિશાળ મૂર્તિમાંથી.

માટી, ક્યારેક રક્તરંજિત

માટી -ક્યારેક અશ્રુ મિશ્રિત

માટી -ક્યારેક પ્રસ્વેદ ભીની

પપ્પા પાણી છાંટતા હતા

ઘર મજબૂત થાય માટે

હું પણ પાણી છાંટું છું

અનુસંધાન સાચવવા

મારો પુત્ર જોઇ રહ્યો છે મને, કારમાં બેઠા બેઠા

એને મારું પાણી છાંટવું બીનજરુરી લાગે છે.

કાલે બાંધશે એનું મકાન ત્યારે જોતું હશે

એનું સંતાન...

એનું સંતાન -એ -હું -પપ્પા -દાદાજી…

ઈંટ -એની માટી…

કોઈ અલગ ક્યાં છીએ?

દાદાજીનું ગામનું ઘર,

પપ્પાનું શ્હેરમાં બે રુમ રસોડું-

મારું થ્રી બેડરુમ હોલ કિચન-

મારા પુત્રની પસંદ છે વીકેન્ડ હોમ-

લેવિશ- લશ ગ્રીન- સ્વીમિંગ પુલ- જાકૂઝી...

આમ જૂઓ તો જુદા...સાવ જુદા.

અમારી ઓળખ જેવાં.

પણ આમ જૂઓ તો એક-

પ્રોપર્ટીકાર્ડમાં રહેશે નામ બધાંના.

બધાં છીએ જુદા છતાં પરોવાયેલાં.

કવિ કહે છે એમ

સહુમાં વહે ને વળી સોંસરવી જાય એવી

નિર્બંધ સેર જેવું.

મારા હાથમાં છે ઈંટ

કઈ નિહારિકાના હશે કણ એમાં?

એનું અનુસંધાન પણ હશે

એની યાત્રાના વિવિધ મુકામ સાથે

એના રુપરંગગંધસ્પર્શસ્વાદમાં સમાયું હશે સઘળું.

મારી પરંપરા તો છે

વસુધૈવ કુટુંબકમ।

જો મારા મકાનની એક ઈંટ જોડાઈ હોય અખંડ શાશ્વતી સાથે

તો મારું ઘર કઈ રીતે બની રહે કેવળ મારું?

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.