મજા આવી ગઈ, મધર
maja aavi gayi, mother
ભરત ત્રિવેદી
Bharat Trivedi
મધર,
આજે મધર્સ ડે નિમિત્તે
તમારા ઘરડાઘરમાં કેવું રહ્યું?
બધાંએ ગીતો ગાયાં?
ડાન્સ કર્યો?
લંચમાં આજે શું હતું?
હા, તમને રોજરોજ બ્રેડ નથી ભાવતી
પણ શું થાય, એ
કૈં આપણા હાથમાં છે?
ચાદર બદલતા નથી,
ને દવાઓની વાસ આવ્યા કરે
પણ કંઈ તેનો રોજ રોજ કકળાટ થોડો થાય!
***
તારી રૂમ પિંકુને મળતાં
તે ખુશ છે
તેની મમ્મીએ રૂમ સરસ સજાવી પણ આપી છે
તારું મંદિર ખૂબ જગા રોકતું હતું
તે ચંદન ફોઈ લઈ ગયાં
એટલે સારી એવી જગા થઈ ગઈ છે
અહીં ગુજરાતી સમાજે
મધર્સ ડે ખૂબ સરસ રીતે ઊજવ્યો
તને ભાવતી પૂરણપોળી ને રીંગણ–બટાટાનું શાક –
મજા આવી ગઈ!
સ્રોત
- પુસ્તક : શેરીઓ લંબાઈ છે મારા ઘર તરફ (પૃષ્ઠ ક્રમાંક 37)
- સર્જક : ભરત ત્રિવેદી
- પ્રકાશક : ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ
- વર્ષ : 2020