રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆ વન અપરંપાર છે ને વરસાદ અનરાધાર.
ને હું.
જોઉં છું :
અવિરત વરસતા વરસાદમાં તરબોળ થઈ ગયેલાં વનવૃક્ષો વચ્ચે
ઉલ્લાસભર્યો આમતેમ વિહરતો પેલો ગજરાજ,
મેઘગર્જના સાથે કરડો સંવાદ સાધતો
ચિંઘાડ પર ચિંઘાડ નાખે છે.
ઉત્તેજિત થઈ ઊઠેલી હાથણીઓ
પોતાની નમણી કાયાને કમનીય વળાંકે નમાવે છે
ને કેટલીક હળવે હળવે ચાલતી પાછળ નજર ફેંકતી વનમાં ને વનમાં
સ્હેજ આઘી જાય છે.
એમની ચોતરફ આ લીલાં લીલાં પોપટ-મેના જાંબુડિયાં કસ્તુરા અને
નીલતવા પેલું લાલ માથાળું લક્કડખોદ તપખીરિયાં સમડી બાજ
અને ત્યાં ઢળકતી ઢેલને નીરખવા સેંકડો નયનો ઉઘાડતો ભૂરો મોર
આ બધાંના ઘેરા જીવંત રંગો વનમાં ઝગારા મારે છે.
ઉપર શામળા આકાશમાં લાંબી હરોળે ઊડતાં નર્યાં દૂધ જેવાં
ધોળાં ધોળાં જળપંખીઓની રેખા ખેંચાય છે
ને એની નીચે પેલાં રંગબેરંગી વનપંખીઓ
ચિત્રલિપિમાં લખાયેલા કોઈક આદિમ કામસૂત્રની અડધી ઊઘડેલી
હસ્તપ્રત જેવાં મને દેખાય છે.
એ સહુના લિપિમરોડ ઉકેલું ન ઉકેલું
ત્યાં તો વળી નરી રેખાઓ બની નજરને વીખેરી નાખતાં અનેક રંગનાં
નાનાં મોટાં પતંગિયાં ચોમેર ઊડે છે.
અને પેલા અર્ધપારદર્શક ડ્રેગન ફ્લાય ઊડતાં ઊડતાં અચાનક અટકતા
અને અણધારી દિશામાં ફંટાઈ ફરી તીરવેગે ઊડતા
નેત્ર નચાવતી રેખાઓ ચિત્રાકાશમાં ચીતરે છે!
કેટકેટલી દેહભંગિમાથી રંગરાગથી વાગ્વિલાસોથી વેગાવેગોથી આ
સહુ વનના વાયરાને વહેતો રાખે છે.
નીચે આ અકરાંતિયાં અળસિયાં પાણીપોચી ને વખતે ગોળ-ગળી માટી
ખાવે ચઢ્યાં છે ને પેલા ભમરા રંગબેરંગી ફૂલોના જાણે ચટપટા રસને
પીવે ચઢ્યા છે ને જરા ઉપર પહોળાં પાંદડાં પર બખ્તરબંધ ઢાલિયાં
જીવડાં સાથે નાજુક ઇયળો વિશ્વપ્રવાસે નીકળી પડી છે કે વિશ્વને
આરોગી જવા એ સમજાતું નથી ને પણે સેવક કીડીઓની લાંબી હરોળ
ભોજનનો અઢળક પુરવઠો લઈને હમણાં જ પૃથ્વીલોકને છેડે આવેલા
પાતળમાં રાજ કરતી પોતાની સદા ગર્ભિણી રાણીની સેવામાં પહોંચશે.
આ વિરાટ વન વાકઈ એક વણથંભ મહાભોજ છે.
પોતે જ આરોગે પોતે જ આરોગાય ધરાર ન ધરાય ન ખાતાં ખૂટે.
પણે પાણીમાંથી ઊંચકાઈ બગલાની ચાંચમાં તરફડતી માછલીઓ જરા
વારમાં બગલાનાં પીછાંની સફેદાઈમાં પલટાઈ જશે.
ને દૂર સુધી સરકતું આ સરોવર તો છલકાઈ ઊઠશે
નવાં નવાં પાણીથી નવી નવી માછલીઓથી નવી શેવાળ નવાં કમળ
નવાં વમળોથી વહેણોથી ડબાક ડૂબ અવાજોથી.
ત્ચાં તો અણધારી આ વીજળી ત્રાટકે છે ઝળહળતું તેજ હર ચીજને
પળભર દૃશ્ય અદૃશ્ય કરી મૂકે છે કડાકાના સત્તાખોર અવાજની
પ્રભુતાના વજન નીચે બીજા બધા જ અવાજો દબાઈ જાય છે સામેનું
તોતિંગ ઝાડ ઊભું ચિરાઈ જાચ છે હવા સળગ્યાની ડરામણી ને ઉત્તેજક
ગંધ ગરજી ઊઠે છે.
દોડીને એક જુવાન હાથણી ગજરાજના પડખામાં ભરાય છે ને તોતિંગ
ઊંચો હાથી વીજતેજભર્યું વીર્યદાન અવિરત હેલીએ કરવા એની ઉપર ચઢી જાય છે.
હાલાહલજયી કામેશ્વર વનખંડી મહાદેવના કંઠની શોભા ધરાવતો મોર
વનવિસ્તારને પોતાની વિશાળ કળાથી ભરી દેતો
લાંબ્બી ઘેરી લયભરી કૈંક કર્કશ છતાં કમનીય કેકા કરી ઊઠે છે.
થોડી વારે મોર કળા સંકેલી લે છે ગજ-યુગલ છૂટું પડે છે
વન શાન્ત થઈ જાય છે.
હવે માત્ર અવિરત વરસતો રહે છે શાન્ત ઝડીદાર વરસાદ
વ્ચંજન વિનાના પ્રલમ્બ સ્વરો જેવો સળંગ.
કાન ધર્યા વિના ધ્યાન દીધા વિના ‘હું સાંભળું છું’ કે ‘એ સંભળાય છે’
એવા ભાન વિના હવે હું એક સુરાવટને નિરંતર સાંભળ્ચા કરું છું.
એ સ્વરલીલામાં આસ્તે આસ્તે મારી માનવભાષા ભૂલી જવા માંડું છું.
ને જઈ ચઢું છું ક્યાંક
વનને સીમાડે વસતા પોતપોતાના શબ્દકોશોની કુહાડીઓ ઉગામતા
મહેનતુ પણ મતલબી કઠિયારાઓની દસબાર ઝૂંપડીઓની બનેલી
વૈયાકરણી વસ્તીથી ઘણે ઘણે આગળ
ને પ્રવીણ પીંગળશીઓના જગણ ભગણનાં ભારેખમ ઇમારતી લાકડાં
લાદેલાં ગાડાં તળે દબાઈ ચૂકેલી ગાડાવાટોની પહોંચથી તો ક્યાંયે
આઘે
વનનાં મઘમઘતાં ઊંડાણોમાં જઈ પહોંચું છું
ને અડાબીડ ઝાડપાન વચ્ચે આસ્તે આસ્તે ભૂંસાતી જતી
આ આછીપાતળી કાવ્ચકેડીઓ પર
ટહેલતો ભટકતો અટકી અટવાઈ ઊફરો ફંટાઈ પડતો આખડતો
ઊભો થઈ આગળ જતો
ક્યાંક
આ અફાટ સુંદર વનરાજીમાં સાવ ભૂલો પડું છું.
ગુપચુપ ભટક્યા કરું છું આમતેમ ઉલ્લાસભર્યા
કોઈ જાનવર જેવો.
હવે અવાજ વગર વરસતાં અનરાધાર પાણીમાં હળવે હળવે એ જગત
ચોખ્ખું થવા લાગે છે.
એ એકધારા ધોધવા સીધા મારી ઉપર પડતાં શેકેલાં માંસનો તળેલી
માછલીઓનો પકવેલાં અન્નનો ને સમજાઈ ગયેલા સાહિત્ચનો વાસી
સ્વાદ મારી જીભ પરથી થોથર ઉતારી હોય એમ ધોવાઈ જવા લાગે છે.
વળી આ વનવાસી પશુઓ પંખીઓ જળચરોની પીઠ ઉપરથીયે
મેં ચીતરેલાં લીલાં પીળાં વિશેષ નામ આસ્તેઆસ્તે ભૂંસાતાં ચાલે છે.
હું નવી રીતે પૂરો સચેત થઈ જાઉં છું.
અવિરત વરસતા વરસાદના શુદ્ધ સ્વરોમાં
ગાંઠનાં વ્ચંજનો ઉમેરી કોઈ ભક્તિ-ભાવુક વિશેષ નામો બનાવી
કાઢવાની ભૂલ કરતો નથી.
વનમાં ને વરસાદમાં મનફાવે ત્ચાં ફરતાં ઝુંડનાં ઝુંડ રૂપોને
કોઈ અમૂર્ત આધુનિક જાતિ નામ આપી દેવાની ભૂલ પણ કરતો નથી
કે અસ્તિત્વ અને અવસાનનાં કામોમોહિત મિથુનને અલગ પાડવાની
નૈયાયિક ભૂલ.
એવી એકે કોઈ ભૂલ ન કરવાની મારી સૂઝ જોઈને
અરણ્યવાસિની સરસ્વતી સ્મિત કરે છે.
ત્યારે
મારા ખાલીખમ ચિદાકાશમાં એક મેઘધનુષ્ય ઊગે છે
શાંત વન પરના ભર્યા ભર્યા આકાશમાં ઊગેલા પેલા મેઘધનુષ્યની
અડોઅડ.
એમના ભર્યાભર્યા રંગોમાં મારી કલમ ઝબોળું છું.
ને એ ભીની તાજા કલમ હજી તો હવામાં અધ્ધર તોળાય છે તેવામાં
આ જે કશુંક છે વનમાં ને મનમાં આ મહાભોજમાં
એની ભોજનાન્તે મને સ્હેજસાજ પડતી સમજણથી ને તોયે અકબંધ
રહેતી અણસમજથી
ભારે અચંબો પામું છું.
એ અચંબે રોમાંચિત થઈ ઊઠેલા
મારી હવે ક્ચારેક સહેજ હલી જતા હાથે
કામચલાઉ તોયે મરોડદાર અક્ષરે
આ કવિતા
મારી જિંદગીના બોતેરમા વરસે આજે મેં
અવનવી ને ભારે ભૂખ સાથે લખી છે
એ કોણ માનશે!
(માર્ચ ૧૨, ૨૦૧૩. સમા.)
સ્રોત
- પુસ્તક : મહાભોજ (પૃષ્ઠ ક્રમાંક 23)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2019