magan ane gajar - Free-verse | RekhtaGujarati

મગન, ભઈ, આવું થાય આપડાથી?

આજે તું હરણિયાના પગનો તારો હલાઈ આયો

ને કાલે મધરાતે ઊઠીને કહીશ :

‘ના હું તો ખઈશ મૂળા, મોગરી, ગાજર ને બોર સુધ્ધાં.’

મગન, ભઈ વચાર તો કર,

કે તું કોણ?

સપ્તરસીની પૂછડીમાં તારો પેલો લંબર.

માતમા મરી ગયાના મેળાવડામાં મામલતદાર શાયેબનું

બોલતાં મોં શુકાય

તો ગામલોક પોંણીનું પવાલુ લઈ તને મોકલે.

ને કોંટા પર ઊભો રહી કોઈન નાખે

તો કડંગ ફટ ખરર ખરર ખટ ને આયી સમજો

તારા વજનની કાપલી.

ને પાછળ ભલા ભગવાનના હાથે લખાઈને આવે—

તુમ બડે પ્રાક્રમી બુદ્ધિશાળી હો.

અગલે અઠવાડિયેમેં આપકી ઉન્નતી હોગી.

રોકાયો, એક આઠ દાડાયે, મગનિયા!

વિસવાસ મલે ભગવાન પર

ને હલાઈ આયો હરણિયાના પગનો તારો.

તેયે પાછલા પગનો નઈં.

જમણા પગનોયે નઈં.

આગલા ડાબા પગનો.

જરા જો તો ખરો

તારે લીધે

કોરિઆમાં કનીકાકીની કાકડી કપાઈ ગઈ

ને મંચૂરીઆમાં માઓ સે મુંગની મામી મરી ગઈ.

મગન મગન શું ઉંઉં કરી નાખ્યું ઉં તેં?

ભલા ભગવાન, એને માફ કરજે

એને ખબરે નથી કે એણે શું કરી નાખ્યું છે.

અરે રે, મગન

રાતે ગાજર?

સ્રોત

  • પુસ્તક : ઓડિસ્યુસનું હલેસું (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સર્જક : સિતાંશુ યશશ્ચંદ્ર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2009
  • આવૃત્તિ : 2