મારા દેવ
maaraa dev
પ્રવીણસિંહ ખાંટ
Pravinsinh Khant
પ્રવીણસિંહ ખાંટ
Pravinsinh Khant
મારા દેવ
મારા દેવી
તમે કહો છો કે નિરાકાર છે.
તમે કહો છો કે અલૌકિક છે.
પણ અહીં
હું એમને જોઈ શકું છું.
મળી શકું છું.
અનુભવી શકું છું.
તેઓ મને ઉછેરે છે, રમાડે છે.
સાચવે છે, જમાડે છે
અને તેઓ જ મને જીવાડે છે.
મારા દેવ
મારા દેવી
હું જોઈ શકું, અનુભવી શકું
પણ...,
તેઓ મૂર્તિથી પર છે,
આકારિત નથી.
એમની વિશાળતા સમાવનારું કોઈ પાત્ર નથી.
સૂર્યદેવ,
તમે તેજનું ક્યું કિરણ દોરશો?
પવનદેવ,
તમે કઈ લહેરખીને કંડારશો?
જળદેવ
તમે ક્યા તરંગને છીણશો?
અગ્નિદેવ,
તમે કયી તણખાને આકારશો?
ચંદ્રદેવ,
તમે કેવી શીતળતાને સ્થાપશો?
અન્નદેવ,
તમે કયી જઠરની ભૂખ ઠારશો?
ધરતીમાતા,
તમે માટીના ક્યા કણને અવગણશો?
મારી આસપાસના દેવો,
મારી સહાયમાં છે.
એમના આધારે જીવું છું.
મારા દેવ મારી પાસે,
છપ્પનભોગ માગતા નથી.
મારા દેવ મારી પાસે,
માળા કરાવતા નથી.
મારા દેવ મને રાજીપો આપે છે.
સ્રોત
- પુસ્તક : દવ લાગ્યો (પૃષ્ઠ ક્રમાંક 59)
- સર્જક : પ્રવીણસિંહ ખાંટ
- પ્રકાશક : ઝેકાર્ડ પબ્લિકશન
- વર્ષ : 2025
