lyo! phaDyun gulamikhat - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લ્યો! ફાડ્યું ગુલામીખત

lyo! phaDyun gulamikhat

ચંદ્રા શ્રીમાળી ચંદ્રા શ્રીમાળી
લ્યો! ફાડ્યું ગુલામીખત
ચંદ્રા શ્રીમાળી

આદર્શ-બાદર્શ તો,

ઠીક મારા ભૈ!

કો’ક દન તપેલી

ગરમેય થઈ જાય....

તોય બળ્યું,

વઉ હંગાથે તો

હારાવટ રાખવી

ઘૈડપણ સુધરીએ જાય....

શી ખબેર!

છોકરાં નઈ પાકે કપાતર?

હરખી રીતે ઠાઠડી ઉપાડે

તોય ઠીક મારા ભૈ!

બાકી,

અસ્તરીના અવતારમાં તો

જનમથી ગુલામી લખાયેલી લમણે...

દીકરી હોય, વઉ હોય ડોશી હોય

આખું આયખું વૈતરાં કૂટવાનાં ભૈ?

-અમથી ડોશીએ અધવચાળે અટકીને

ધ્રૂજતો હાથ મેલ્યો લમણે, હળવે રહીને

ઊભાં થયાં લાકડીનાં ટેકે

‘ને ઉંબરે ઊભાં રહી બોલ્યાં,

હું તો ચાલી ભણવા રાતની નેંહાળમાં

લ્યો! ફાડ્યું ગુલામીખત