લોઢી રાતીચોળ છે
lodhii raatiichol chhe
કાનજી પટેલ
Kanji Patel

ખાણ કારખાનાં ડામર સડક રોલર
પડખે ચરીમાં કાળા દોરડાં ભીડવે
ગળી જાય
બાણું લાખ માળવાના ધણીને
પેટમાં ખટાશ ઊલળે છે
પડખેનો યાત્રી
ત્રાંસી નજરે
લંગોટી પાઘડી એંઠી મૂછ
ટૂંટિયું બાઇ વખરીનાં પોટલાં
કરોળતાં બાળને તાકી
ઊભાં ને ઊભાં ધીકાવે છે
બિરસા,
જગ દોડ્યો છું
પીંડીઓ તતડે છે
તારો દશમન ગોરો
મારી સામે કાળોગોરો
આ ઘંટુડી ફરતી નથી
કૂકડિયાં ગાણાં ગાઉં છું
હરો પીઉં છું
ભંગોરિયા મેળે મ્હાલું છું
મોશેટીના બુંધે જાળાં બાઝ્યાં છે
કથરોટ ખાલી છે
લોઢી રાતીચોળ છે



રસપ્રદ તથ્યો
હરો = દારૂ; ભંગોરિયા = આદિવાસી મેળો, જ્યાંથી યુવકયુવતી પરણવા માટે ભાગી જાય; મોશેટી = અનાજની કોઠી.
સ્રોત
- પુસ્તક : ડુંગરદેવ (પૃષ્ઠ ક્રમાંક 16)
- સર્જક : કાનજી પટેલ
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2006