larine aagal dhakeliye - Free-verse | RekhtaGujarati

લારીને આગળ ધકેલીએ

larine aagal dhakeliye

અરવિંદ વેગડા અરવિંદ વેગડા
લારીને આગળ ધકેલીએ
અરવિંદ વેગડા

હળવેથી,

ચાલ, ધની! લારીને આગળ ધકેલીએ,

જીવતરના માળામાં બેઠેલી ગૂંચને ઉકેલીએ.

કંતાનમાં ઢાંકેલા રોટલાના ટૂકડામાં

ફળફળતા ફોલ્લાના ડાઘા

લીલાંછમ્મ ઓરતાને અંધારું આપીને

ભીતરથી હડસેલે આઘા

કમખાના આયનામાં વણજોયાં સપનાંને ભરીએ.

જીવતરના માળામાં બેઠેલી ગૂંચને ઉકેલીએ.

ઉન્નાળો, કડકડતી ઠંડી ને વરસાદી

મોસમના ખાધેલા ચાબખા

વસ્તરમાં સાચવીને કાઢી લે જન્મારો

ઢાળ કદી હોય તોય લાગે છે આંચકા

ઓણસાલ દીકરીનું હૈયું ઉકેલીએ,

ચાલ, ધની લારીને આગળ ધકેલીએ...

જીવતરના માળામાં બેઠેલી ગૂંચને ઉકેલીએ.

સ્રોત

  • પુસ્તક : ઝિબ્રા ક્રોસિંગ
  • સર્જક : અરવિંદ વેગડા