ડબ્લ્યૂ. એચ. ઑડેન
W. H. Auden
જૂના બંદાઓ યાતના વિશે ક્યારેય
ખોટા ન'તા : તેમને માનવઘટનાની કેવી
અચ્છી કોઠાસૂઝ હતી; જ્યારે બીજું કોઈ ખાતુંપીતું હોય
કે બારી ઉઘાડતું હોય કે બસ, માત્ર કંટાળાથી ચાલ્યા કરતું હોય
ત્યારે પેલી યાતના કેવી ઉપસી આવે છે;
જેમ કે, જ્યારે વૃદ્ધ આર્દ્ર શ્રદ્ધા ને આવેશથી
કોઈ ચમત્કારિક જન્મની પ્રતીક્ષા કરતા હોય છે, ત્યારે પણ
વનની સીમા પરના જળાશય ઉપર ‘સ્કેઈટિંગ’ કરતાં,
એવાં કોઈ બાળકો હશે જ હશે
જેમને આવું કંઈક બને તેવી કોઈ ખાસ ઇચ્છા ન હોય.
તે બંદાઓ ક્યારેય ભૂલ્યા નથી
કે ભયંકર શહાદતે પણ કોઈ ખૂણેખાંચરે લપાઈ જવું પડે છે –
કોઈ ગંદી, વેરણછેરણ જગાએ –
જ્યાં કુત્તાઓ પોતાની કુત્તીય જિંદગી ગુજારે છે, અને
જ્યાં જુલ્મીનો ઘોડો પણ એક ઝાડ સાથે ઘસીને પોતાની
નિર્દોષ પીઠને ખજવાળતો હોય છે.
બ્રુઘલના ઇકારસમાં છે ને તેમ : બધું કેવું
સાવ હળવેથી આફતને ચાતરી જાય છે :
સમુદ્રમાં થયેલો પેલો ધુબાકો અને પેલી વછોડાયેલી ચીસ
પેલા ખેડૂતે સાંભળી પણ હોય,
પણ, એના માટે એ કોઈ ખાસ નિષ્ફળતા ન હતી;
લીલાં પાણીમાં અદૃશ્ય થતા પેલા ગોરા ગોરા પગ ઉપર
સૂર્ય તડક્યો હતો – નાછૂટકે;
અને પેલા મોંઘાદાટ નાજુક જહાજે આકાશેથી ગબડતા છોકરા જેવું
કંઈક વિસ્મયજનક જોયું જ હશે –
પણ–, એણે ક્યાંક તો પહોંચવાનું જ હતું અને
એટલે એણે સ્વસ્થતાથી સર્યા કર્યું.
(અનુ. સંજય ઠાકર)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1973 (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
