લાલ આંખ
Lal Aankh
અરવિંદ ભટ્ટ
Arvind Bhatt
અરવિંદ ભટ્ટ
Arvind Bhatt
જો મારું ચાલે તો—
હું મારા ઘરની અલમારીમાં
કબૂતરાંને માળા બાંધવા દઉં,
આયના સાથે ચકલીને
થાકે નહીં ત્યાં સુધી ઝઘડવા દઉં,
વર્ષોથી પિંજરામાં ગૂંગળાતા ટહુકાને
જંગલ સુધી વિસ્તારું,
ધોધમાર વરસાદમાં થરથરીને
બ્યાઉંકારા નાખતી કૂતરીને
ઘરમાં લાવી ઊની રાબ પિવરાવી
કામળો ઓઢાડીને સુવરાવું,
દરરોજ ભીખ માગવા આવતા
પાંચ વરસના દિગંબરને
મારો ભાઈ બનાવું,
ટોપી ઉતારીને પોક મૂકતા પટાવાળાને
દશ રૂપિયા ઊછીના આપું,
પણ મારા ઘરમાં રહેતી લાલ આંખ
મને આમ ક્યાં કરવા દે છે !
(એક પીંછું મોરનું, 1995, પૃ. 15)
સ્રોત
- પુસ્તક : ગૂર્જર અદ્યતન કાવ્ય સંચય (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : ચંદ્રકાન્ત શેઠ, યોગેશ જોશી, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
