દિવસોથી
divasothii
ધીરુ પરીખ
Dhiru Parikh

દિવસોથી ગગનમાં ગોરંભાયેલા ગગનમાંથી
આજ એકાએક દદડી પડેલા તડકાને
શ્વાસે શ્વાસે ઉલેચીને
હું ભરું છું મારા પ્રાણપાત્રમાં :
રગેરગે રેલાઈ જાય છે
દોડતાં હરણાંની ઉચ્છલ ગતિભર્યું
હૂંફાળું ભર્ગસલિલ,
ફણગી ઊઠે છે રોમે રોમે
કો અકથ્ય ઉલ્લાસનો બીજનિક્ષેપ;
ધીરે ધીરે ધીરે
હું
ઘેરાયેલા ઘન વચ્ચે લહેરાઈ જાઉં છું



સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 28)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ