Laav Ne Jaraa - Free-verse | RekhtaGujarati

લાવને જરા

Laav Ne Jaraa

હસમુખ કે. રાવળ હસમુખ કે. રાવળ
લાવને જરા
હસમુખ કે. રાવળ

સાબરમતીની દાઢમાં અમદાવાદનો સ્વાદ સળવળ્યો.

ક્યાં સુધી દ્રાક્ષ જેવા પુલો જોયા કરવાનું?

ને ક્યાં સુધી મસમોટી જાહેરતોના

ઊકળતા તેલમાં તળાયા કરવાનું?

લાવને જરા

કોઈના હાથમાં હાથ ભેરવી

પૂલ પરની ગોઠડીની દ્રાક્ષ ચાખું?

સરદારબાગને વેણીમાં ખોસું,

મળે તો આખી ને આખી

રતનપોળ પહેરું,

ચાલુ હોય તો એકાદ કૉલેજનાં

પગથિયાં ઊતરતી

પહેલા શોની હૂંફ માણું;

ખાનપુર મીરઝાપુર ઘીકાંટાને

અખબારી મુલાકાત આપતી

ફોટા પડાવતી જાઉં.

એક્સક્યુઝ મી પ્લીઝ…

થોડું શૉપિંગ કરી લઉં. માધુપુરામાં

ઘઉં-ચોખા ને ગોળ.

ઓહો! કેટલી બધી હૉટેલો!

બોય!

મસાલા ઢોંસા

ઈડલી ઢોંસા

કડક કૉફી…

માળાં પરાં તો પતાસાં.

પ્રીતમનગર ને પાલડી

સોસાયટીનાં મનભર કમળો

એક એક પાંખડી સ્વર્ગની આંખડી.

વાદળી લાઈટમાં

ઈવનિંગ ઈન પેરીસ

ઉછાળતી બેડરૂમો

ને ડનલોપીલો?

લાવ, જરા એકાદબે રાત...

ઓહો!

એટલામાં તો તમે

દુનિયાભરમાં બદનામીનું તોરણ

બાંધી દીધું.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1973 (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ