kutumb - Free-verse | RekhtaGujarati

મને થયું લાવ દીકરીને શીખવું:

કુટુંબ એટલે શું?

હું માંડ્યો પૂછવા

‘તારું નામ શું?’

‘ઋચા... ઠક્કર’

‘બકી કોણ કરે?’

‘મમ્મી... ઠક્કર’

‘પાવનો પા કોણ કરે?’

‘પપ્પા... ઠક્કર’

ત્યાં તો સાઇકલ પર કપડાંની ગઠરી મૂકી

ટ્રીન... ટ્રીન... કરતું કોઈ આવ્યું

દીકરીનો ચહેરો થયો ઊજળો!

‘ધોબી... ઠક્કર!’

ચોખાના દાણાથી હાઉસફૂલ થઈ જાય એવું પંખી

હવામાં હીંચકા લેતું હતું

દીકરીએ કિલકાર કર્યો

‘ચક્કી... ઠક્કર!’

લો ત્યારે

દીકરી તો શીખી ગઈ

હું હજી શીખું છું

સ્રોત

  • પુસ્તક : રાવણહથ્થો (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2022