kunvarii - Free-verse | RekhtaGujarati

મેં તારી સેજ ઉપર પગ મૂક્યો ત્યારે

હું એક નહોતી બે હતી

એક પૂરેપૂરી પરણેલી અને એક પૂરેપૂરી કુંવારી…

તારા ઉપભોગ માટે-

મારે કુંવારીની કતલ કરવાની હતી

મેં કતલ કરી હતી -

કતલ, જે કાયદાનુસાર ઉચિત હોય છે,

ફક્ત એની બેઇજ્જતી અનુચિત હોય છે.

અને મેં બેઇજ્જતીનું ઝેર પીધું હતું.

પછી સવારે

લોહીમાં ભીંજાયેલા મારા હાથ જોયા હતા,

હાથ ધોયા હતા—

બિલકુલ રીતે જેમ બીજાં મેલાં અંગ ધોવાનાં હતાં.

પણ અરીસાની સામે ગઈ કે તરત

સામે ઊભી હતી

જેની મેં રાતે કતલ કરી હતી.

અને હે ભગવાન!

સેજનું અંધારું શું ખૂબ ગાઢ હતું?

મારે કોની કતલ કરવી'તી ને કોની કતલ કરી બેઠી...

(અનુ. જયા મહેતા)

સ્રોત

  • પુસ્તક : અમૃતાવિશેષ (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 1992