kranti - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્રાન્તિ

kranti

વિપિન પરીખ વિપિન પરીખ
ક્રાન્તિ
વિપિન પરીખ

અમે કૉફી હાઉસમાં ચાર મિત્રો બેઠા હતા.

એકે સહેજ સાકર વધારે મગાવી.

બેરર કહે, “સા’બ, ચીની જ્યાદા નહીં મિલેગી,

દામ દેતે ભી કહાં મિલતી હૈ?”

એટલે તૂટી પડ્યો, કહે :

“આ દેશમાં શું મળે છે? ધૂળ?

સાકર નથી, પાણી નથી દૂધ નથી, પાંઉ નથી, ઘઉં નથી.

સરકાર નાલાયક છે.

લોકોને આપણે ઉખેડી નાખવા જોઈએ.”

બીજો કહે, “મારા હાથમાં કોઈ મશીન-ગન આપો તો

વારતહેવારે ભાષણો પીરસતા મિનિસ્ટરોને

લાઇનમાં ઊભા રાખી સન્ન્ સન્ન્ વીંધી નાખું.”

ત્રીજો કહે, “ના, લોકોને એમ મારી નહીં નાખવા જોઈએ.

સાલાઓને તો નિર્વસ્ત્ર કરી, ગધેડા પર ઊંધા બેસાડી

ગલીએ ગલીએ મૂંગા માઇક આપી ફેરવવા જોઈએ.”

એક જણ કહે, “ના ના. સફેદ કપડામાં અક્કડ ચાલતા

સુફિયાણા સંતોને 9-05ની વિરાર ફાસ્ટમાં

એક વરસ સુધી રોજ સવારે મુસાફરી કરાવવી જોઈએ.

સજા કદાચ પૂરતી થશે.”

એટલામાં ઘડિયાળના કાંટાથી દાઝી ગયો હોય એમ

એક જણ સફાળો કૂદી ઊઠ્યો :

“અરે! બે વાગી ગયા, ઊઠો ઊઠો

પાંચ મિનિટ પણ મોડું થશે તો

ઑફિસમાં પેલો બૉસ કૂતરાની જેમ ઘૂરકવા માંડશે.”

ને અમે ચાર ઊભી પૂછડીએ

ઑફિસ ભણી ભાગ્યા.

સ્રોત

  • પુસ્તક : તલાશ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રાઇવેટ લિમિટેડ
  • વર્ષ : 1980