કોણે કહ્યું?
Kone Kahyu?
મનહર જાની
Manhar Jani

કોણે કહ્યું કે મારે આંખો છે?
જો મારે આંખો હોત
તો ગઈકાલે જ
ફ્લાવરવૉઝમાં ફૂલો ગોઠવતી વખતે
હું કરમાઈ ગયો હોત
કે વેરાઈ ગયો હોત
ખડકોની છાતીમાં માથા ઠોકતા
સમુદ્રને જોઈને
અથવા
તરડાઈ ગયો હોત
દર્પણમાં મારો ચ્હેરો જોઈને
કે પછી ઓગળી જ ગયો હોત
ક્યારનોય
મૃતપત્નીનાં છેલ્લા શ્વાસોમાં...
મારે આંખો જ નથી મિત્રો,
પોપચાંની કોથળીમાં તો
ઠીકરીઓ જ ભરી છે ઠીકરીઓ!



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 98)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ