kirati keran kotDan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કીરતિ કેરાં કોટડાં

kirati keran kotDan

રમેશ પારેખ રમેશ પારેખ
કીરતિ કેરાં કોટડાં
રમેશ પારેખ

ટપુડો હજામ આવ્યો.

બાપુ ક્યેઃ નથી બોડવાં દાઢાં

જા, પહેલાં દોડ્ય.....માસ્તરને ને કસળચંદને બરક્ય.

વજા ગઢવીને ને સરપંચને સાદ પાડતો આવ્ય.

કે'જે, ઉતાવળનું છ્‚ ઝટ આવે.

સૌ આવ્યા

જોયું તો નરભો ગોર નિમાણો થઈને બેઠો છ્ ઓટલે.

મોઢે માખ્યું મમણે છ્.

ખડિયાને ટીલવી સૂંઘી રઈ છ્.

કસળચંદ ક્યે: બાપુ, અત્યારમાં સું બરક્યા છ્,

સંધાયને?

‘સાંભળ્ય કસળચંદ,’ બાપુ બોલ્યા

‘સાળદુભા ને અણદુભા અમારા પરદાદા.

પાંચ વીહુ ગાયુંની ખરિયું ને શિંગડિયું

સોને મઢાવીને એનાં દાન કર્યાં'તાં....

ત્રીજી પેઢીએ, ઓઘડબાપુના વેલે

થયા કાથડદાદા.

ઈણે ગાયુંની વારે ચડીને

પોતાના જીવ દવલા કર્યા'તા સમરાંગણમાં.

ઈના દીકરા ઓઘડબાપુ.

ભગત—

ઈમણે ખોડી ને મુડદાલ ગાયુંની

છેલ્લા સુવાસ લગી ચાકરીયું કરી’તી......

–કેમ બારોટ, છે ને તમારે ચોપડે સંધી વાતું?

બારોટે ઊંઘરાટી આંખ્યું ખોલી

માથું હલાવ્યું.

‘ઇ ગવતરીપાળ વંશના અમે

છેલ્લા દીવા.

અમને કુંવરસુખ નો મળ્યાં.

અને હવે મરતક સામાં ઊભાં છ્,

અમને વચાર આવ્યા કે,

ખાચરવંશની નામના રઈ જાય એવું

કાંક કરતા જાયેં.’

‘ખમ્મા, બાપુને ખમ્મા....’ ટપુડો અડધો અડધો

થઈ રયો.

બાપુ ક્વેઃ માસ્તર, મજાનું ગાયનું ચીતર પાડ્ય,

ફળિયામાં...

માસ્તરે સાંઠીકડાથી ગાય ચીતરી, ધૂળમાં,

બાપુ ક્યે: પડખે ‘પાંચસે ગાયું’ એમ લખ્ય.

માસ્તરે લખ્યું.

‘નરભા મા’ રાજ, હવે કરાવ્ય હાથજોડ્ય' બાપુ બોલ્યા.

‘શેની હાથ જોડ્ય, બાપુ?’ નરભો રઘવાયો થયો.

‘તને પાંચસે ગાયુંનાં દાન કરીએ છીએ, ઈની

અક્કલમઠ્ઠા!' બાપુએ મૂછ પર તાવ દીધા.

બધાનાં મોં ફાટી ગિયાં¬: પાંચસે ગાયું!

નરભાએ હાથ જોડાવ્યા ને અસ્તુ-તથાસ્તુ કીધું.

બાપુ ક્યેઃ લે મા'રાજ, પાંચસે ગાયુંનાં દાન તો

જાણે કર્યાં. હવે દે આશરવાદ. ને દેવીપુતર, હવે

થાવા દ્યો કવિત, દાદા-પરદાદા સરગાપરમાંથી ભલકારા

દ્યૈ એવી અમારી બિરદાવળી ગાવ.....

ગઢવીએ ખોંખારો ખાધો. નરભોગોર શિયાંવિયાં થતો

બોલ્યો: ‘બાપુ, મારે બીજે હાથજોડ્ય કરાવવા

જાવાનું છ્...'

‘ગાયું લઈને ઉપડ્ય, તું તારે....' બાપુ બોલ્યા.

નરભો ક્યેઃ ‘ગાયું ક્યાં ઊભીયું છ્?’

બાપુએ; એટલું નથી ભળાતું તને? રઈ

સંધી' કહી ધૂળમાં આળખેલું ગાયનું ચીતર ચીંધ્યું:

લે, ખોબેખોબે ભરી લે.

તારા ખડિયામાં બધી ગાયું માય જાશે...

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 289)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004