mrit kheDutno chhatilekh - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મૃત ખેડૂતનો છાતીલેખ

mrit kheDutno chhatilekh

બારિન મહેતા બારિન મહેતા
મૃત ખેડૂતનો છાતીલેખ
બારિન મહેતા

(સ્વ. કવિ શ્રી રાવજી પટેલને અર્પણ)

મારી આખી ઊંઘનું ખેતર સાવ નોંધારું

કોઈ કહે ના મુજને

ભાગ્યું ક્યાં અજવાળું પરબારું?

હું હવે કલમદેશને સીમાડે બેઠો

મમળાવું કંઈ સ્પર્શ

ખખડાવું મનના સમય-ગ્રામનાં વર્ષ

મારગ એમાં વીંટળાયેલા ગોટમોટ થઈ

લોકો એમાં ચીતરાયેલા લોથપોથ થઈ

દડબડ દડબડ તોખારોની હાર સામટી

ભાલા બરછી તીર અને તલવાર લઈને

ઈતિહાસના મૌન કને શી બાંગ થઈને

સવારના કૂકડા જેવું બોલે

સુણી પ્રભાતી રાગરાગિણી કલમ થરથર નાચે

શબ્દકંપના લયહિલ્લોળા

ઊડે લાગણીઓનાં કપોત ભોળાં

આંખો ફાડી જોતાં

જોતાં કમળપૂજાની ઘટનાઓની વાવ

વાવમાં કેડસમાણાં પાણી

મારી જરી ના પલળી પાની

સગા લોહીથી ખળભળ વાચા આણી

તો જરી ના પલળી પાની!

મેં મારા સગા હાથથી સમય ખોતર્યો:

વાવ પગથિયે બેસી

મારી આંખોમાંથી દૃશ્યો કાઢી,

ખંખેરીને મેલી ઘેલી દાઢી

આંખ સમાણાં પાણી પાછળ છુપાયેલા મને નોતર્યો:

ચાલ, સજી લે જાત

અને ઘૂંટી એકડો પાટીમાં

નોંધી લે વાત:

ઊંઘ હવે તો સ્વપ્ન પરીની આંખો,

ઊંઘ અહીં તરફડતી તરફડતી હવે ગરોળી પૂંછડી

હાથવગું અહીં જે કંઈ લાગે

પિપૂડી રૂપે અમને વાગે

સરકી જાતી રેતી જેવી પળ

જડે સતત વાતોને વળ

વળનો છેડો ક્યાંય મળે ના

વળનો કેડો ક્યાંય વળે ના

હાથ ચડી મેં ખૂરપી વીંઝી

કીધા કંઈ કેટલા દાતરડાના ઘા

વળનો છેડો

વળનો કેડો

ક્યાંય મળે ના

ક્યાંય વળે ના

મારી પહેરણ ઢાંકી કાય

જાણે વનમાં લાગી લ્હાય

લાવો, લાવો, ટાઢક આપો

આપો આપો મોલ ભરીને

સુંવાળપ શી ઊંઘો આપો

વીજદીવાને અજવાળે અહીં ઢોલ વગાડો

પ્રકાશવેગી વિચાર ધરબી બંદૂકે

આસપાસ વેરાયેલી ઊંઘને સાંધો

અડિયલ ટટ્ટુ જેવા પડ્યાપાથર્યા વેશ ઉતારો

મારગ આડા ઊભા સઘળા ભભકા ભૂંજો

*

મારગના સહુ ભભકા ડામરમાં જઈ

અગડંબગડં જાદૂના કંઈ ખેલ કરાવે

ઊગી જતાં સહુ પગલાંઓને રોજ ડરાવે

ગંધાઈ ઊઠેલાં ઊંઘે કણસલાં

મનને ખૂણે ખૂણે ફેલાયાં

ફેલાયાં કે અમરત સમણાં મારાં

વાણીનું જળ થઈને રેલાયાં

રેલાયાં કે

છૂટ્યો રે ભાઈ છૂટ્યે

એનઘેનનો દીવો છૂટ્યો

પથ્થર પાછળ ધરબાયેલી

એક બૂમનો જથ્થો ફૂટ્યો

ધસમસ

ધસમસ

ધસમસતા કંઈ કંઈ પથ્થર-ટોળાં

ચારેકોરે કર્મરૂપે ઘેરાયાં

યુગ યુગથી કેદ થયેલાં જળમાં

જાણે ઊઠી ગયા ફરફોલા

ફરપોલે ફરફોલે ભટકે ચીસ

પવન પુરામા અઢળક લાવે ભીંસ

ને મારી પાંપણ પરથી ખરી પડે હડપ્પા

એની ગલી ગલીમાં મડદાં બેઠાં થાય

ભર્યા ચોકમાં શંખણીઓ બદલાનાં ગીતો ગાય

કપાયેલી આંગળીઓ તલવાર ઘુમાવે

છોલાયેલાં ચરણો લડતાં લડતાં રાદ ડુલાવે

સંસ્કૃતિનો પડછાયો ભૈ હરખપદૂડો સિક્કા ચુમતો

ઈતિહાસ બિચારો માથે લઈને દાવ, ઘૂમતો

લબલબ ચાટી જૂની હવાને

સૂર્ય અકોણો લ્હાવ ઝૂમતો

વૃદ્ધજનોની લાકડીઓમાં

ઓરમાન સંતાન સરીખો કાળ ઝૂઝતો

મારી કલમ હવે ઊછળતી

આડાઆવળા અખ્ખરમાં થઈ

સતને મળવા પળતી

વચ્ચે સલ્તનતોના ચીલા

વચ્ચે માણસ માથે ખીલા

વચ્ચે રાજાઓની ક્રીડા

વચ્ચે અઢળક માણસ-પીડા

વચ્ચે ધરમધજાના વહેળા

વચ્ચે જલદ મશાલી ચહેરા

અનુભવું કે

મારી આખી ઊંઘનું ખેતર ખેડાયું પણ

બીજ મહીંથી ચોરી લઈને પાથર્યું કોણે રણ?

*

હું હવે રણમાં, રણની ધૂપ

હવે ટેરવે ફળફળતો ઊઘડતો વ્રણનો કૂપ

કૂપમાં દૃશ્યે દૃશ્યે ભડકા

ભડકે ભડકે ભીતર ફણગે સણકા:

ચરણ આલીને મારગ ઝૂંટવ્યા

હાથ આલીને અમરત છીનવ્યાં

હૈયે ગોરંભાતો પ્રેમ છતાંયે નફરત તળમાં ખૂપ્યાં

મનમાં જીવવાનાં અરમાન, અરે કોણે લૂંટ્યાં ?

સણકે સણકે ઝાળ વાગતી

અંધકારની મૂળ દિશાની ભાળ માગતી

એકલતાનો ગઢ તૂટે

ને ઈતિહાસની રગમાં ધકધક હું સરકતો

હું હતો ફૂલની સૌરભ, મને સારવી કોણે દીધો?

શાંતિવનનો વાસી હું તો, વાસ ઝૂંટવી કોણે લીધો?

દશે દિશાઓ ગૂપચૂપ ગોથાં ખાય

માટીનું સહુ સંતાનો રે,

ભૂખ-તરસના ગડથોલે ખરપાય

તો યે કેમ કશું ના થાય?

પ્રશ્ન રહે છે

પ્રશ્ન દહે છે

પ્રશ્ન વહે છે

વેરણછેરણ દૃશ્યોના ઢગલામાં

નપુંસકી સહુ ચર્ચા વચ્ચે કાળ કહે છે પગલામાં

આરણકારણ શોધ્યા વિણ હું જંપું નહીં

નરાધમ ક્રિયાકાંડના

મૂળિયાં છત્તર બાળવા લગીરે હું કંપું નહીં.

આલ્લે મારી કલમ નઠારી

લોહીને આંગણ રમતી?

લોહીના કાગળ

લોહીના અખ્ખર

લોહીલીલામાં ભમતી?

હું અવાચક

કાળબબૂચક કોઠાના ચક્રાવા વિશે

ચારેકોરે ભાળું

ભ્રમના કિલ્લા તૂટતા દિસે

ખડક ધડક પથ્થરના કંઈ ધોધ વરસતા

કોટ-કાંગરા- દરવાજા ને ડેલી સઘળી

કંકુવરણી કંઈક કથાઓ

હથેળિયુંની મૂંગી મૂંગી કઈંક કતારો

પાંસળીઓની જાણ-ફસાયા પંખીની તરફડતી પાંખો

ઠરી ચૂકેલા જ્વાળામુખી જેવી આંખો,

કિલ્લાઓ બાંધ્યા કોણે

ફરી પ્રશ્નનું ચક્કર

‘માણસનાં માથાં વાઢીને રાંધ્યાં કોણે?’

કોણે?

કોણે?

*

ઘેરી વળતાં પૂર મૌનનાં

અખ્ખર માળા હવા બનીને અડતા

સામા પૂરનું મૌન છેદતા તરતા

પ્રશ્ન સીધો ને સટ

ઉત્તર ખોળો ઝટ

સટ-ઝટ વચ્ચે જામી પડ્યું યુદ્ધ

ઘમસાણ મચ્યું કાંઈ

રમખાણ મચ્યું કાંઈ

ત્યાં તો

સાવ અચાનક બંધ થયા દેખાતા અખ્ખર

ખુલ્લી આંખો ભાળે ઘૂમતાં લાલ રંગનાં ખપ્પર

તો યે પૂર મૌનનાં એમ અડખમ

દશે દિશાથી એક સામટાં ગાજે

લોઢ લોઢમાં ગામ તણાતાં જાય

મારી નરી ખેતરાઉ આંગળિયુંમાં સહુ વણાતાં જાય

હું કંઈ કરું ના

કંઈ ભરું ના

જાઉં તણાતો

જું વણાતો

મારું અલગ કશું ના રહેતું

દીવાલો તૂટે

છત પણ બૂડે

તોફાનોના તુમારોની ફોજ ગરજતી

ડૂબી ગયા તે મરજીવાની જીભ વરસતી

‘ખાઉં-ખાઉં’ ના નારા સઘળા

‘મને બચાવો, મને બચાવો’ આંતરડાંની ચીસો બનતાં

સઘળાનું કારણ પૂર મૌનનાં

સઘળાનું ભારણ પૂર મૌનનાં

વીતી ગયેલો સમય આયને ભરડાતો

દૃશ્ય દૃશ્યમાં અળસવળતા મનમાં માણસ ખરડાતો

આવી તેવી પરિસ્થિતિમાં

હું

કલમ રોપતો નવી વારતા કાજે

ત્યાં રણભેરીના નાદ પળેપળ ઘોડે ચડતા ગાજે

ચીતરેલા પંખીને ભાઈ, પાંખો ફૂટી

કેદ હડપ્પે થઈ તે આંખો છૂટી

કાગવર્ણનો સૂરજ ડૂબ્યો જળમાં

તડાક ભાવિ કૂટ્યું રે ફોફળમાં

ભાઈ, ચણા ચાવવા જેવી

ભાઈ, કણાં કાઢવા જેવી

કંઈ વાત નથી

તો પિરામિડોના ભેદી રણમાં

લુપ્ત થઈ વણઝાર

તો દરિયાના પેટાળે પ્રગટી

સળગી તે વણઝાર

સદા ભટકતી

ક્યાંય નહીં રે કદી અટકતી

એને પગલે પગલે અખબારોને આવે ભાન

એના એક ઈશારે

બેઠાં હડફ થતાં વેરાન

એની હથેળિયુંમાં

ખળભળતો સમણાંનો રાતો કુંભ

એની પાંસળીઓમાં

ભરતી ભેટ્યા દરિયાનાં દુદુંભ

રણને છેડેથી

છેડા લગ

ધગધગ કૈંક કુવારા છૂટ્યા

અમરતના વાવડને ચામર ઢાળ્યા

જુગ જુગ જૂનાં બંધન તૂટ્યાં

હભળક હભળક રગ ધબકતી નભની

તે જીવ કકળતો શાંત થયો

ત્યાં કલમ નાચતી ભાગી

કાગળ છોડી

અખ્ખર છોડી

બખ્તર પહેરી

નવા પ્રસવના રંગોત્સવમાં જાત હોમવા ભાગી

કોઈ રોકશો એને ના

કોઈ ટોકશો એને ના

ભાઈ સત ચડ્યું છે એને

એને

પહોળેયેલું મન મળ્યું છે એને

એને

ઇતિહાસનું ગીત ફળ્યું છે એને

એને

પથરાયેલો કાળખંડમાં સમય ફળ્યો છે એને

એને

એને

એને

*

એને આંખ ઊગી છે

ચરણ મળ્યા છે

હાથ ફળ્યા છે

દેહ બન્યો વિદ્રોહી એનો

ધગધગતો લાવા છે એની વાણી

ઇતિહાસના શિખર ભણીની દોડે કૂચ-કહાણી

હવે જ્યાં પગલું માડે

ત્યાં ત્યાંની ધરતી

ખુલ્લાં મન ને હૈયા ભાળી

જઈ એને વરતી

દીવાલ વિનાનો હું રે ભાઈ,

છત વિનાનો હું રે ભાઈ,

મારી ઊંધમૂંધ ઊંઘ વગરની કાયા

કલમ થકી બસ લોકોની એને વળગી માયા

હું હવે ના સિક્કામાં તોળાતો માલ

હું હને ના બજારમાં ઉતારું ખાલ

ચૌદ ભુવન કે સ્વર્ગ નર્કની કશી તમા ના

મારી આંગળિયુંમાં

હવે વસે રે સાવ નીતર્યો માણસ

દાંત ભીંસતી વેશ્યાની હું એષ્ણા

મુઠ્ઠી ભીડતા લોકોની છું તૃષ્ણા

હું હવે અંગૂઠો મારો કાપું નહીં

હું ‘દૂધ નથી’ ની ઘટનાને

લોટ દોહીને આપું નહીં

સદી સદીના સરવાળા ને બાદબાકીમાં

ભૂલી જવાયા ગુણાકારનું દૈવત

ખળભળ ખળભળ થાય

હવે હું દાખવું...

*

દાખે એને નાખે રે કૂવામાં

અખ્ખર મારા અલોપ થાતા ઢૂવામાં

પણ સુવાળપના શાપ સરીખો રણનો વિસ્તાર

નહીં ઊગેલી લીલોતરીનો લીલોકચ ચિત્કાર

પથરાયેલો ઢૂવામાં કંઈ એનો ગુણાકાર

ઓરછોરતો સન્નાટો ઘેઘૂર હરણતૃષામાં પલટાયો

મખમલ પોચાં પગલાં-દરિયો અફાટ એમાં અફળાયો

અફળાયો કે તૂટ્યાં મોજાં

મોજે મોજે ચીસ સદીની વમળાતી

ને કલમ નઠારી અમળાતી

દરિયો આખો લીરેલીરા

ચીરેચીરા

માટીમાં જઈ પછડાયો

ને કણકણમાંથી હાડ-ચામનું લશ્કર દદડ્યું

ભંડારેલા ભોંયે સમણાં

અચાનક

એકસામટાં દર ફાડીને પ્રસવ્યાં

બંધ હતાં તે દ્વાર ફરીને ખખડ્યાં

ઝગમગ ઝાલરિયાં કંઈ ઝમક્યાં

ક્ષિતિજ તટેથી

પાંખ મળ્યાનાં કુંજડી-ટોળા

ખુલ્લા નભમાં પીંછાં ભરીને ઠાલવતા શા મેળા

મેળે મેળે પ્રગટ્યો અગ્નિ

અગ્નિના પ્રગટ્યાને દાખે ધુમાડાના ગોટા

ગોટે ગોટે ધૂંધવાયેલી ભૂખ ધધખતી

તડતડ તડતડ લાગણીઓની સેર તતડતી:

મારી હવે જણાતી ઠંડી છાતીમાં એની લિપિ

ખેડી શકો તો ખેડો

વાવી શકો તો વાવો

સિંચી શકો તે સિંચો

લણી શકો તો લણો.....

સ્રોત

  • પુસ્તક : યાદવાસ્થળી (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : બારીન મહેતા