drushya - Free-verse | RekhtaGujarati

ધૂળે રંગી કેડી અને અજાણી ધરતી.

હિલચાલ વગર ઊભેલાં

સ્તબ્ધ ખેતરો.

ઝાડવાં આડેથી દેખાતું ગામ જાણે

સંકોડાઈ ગયેલું અને ગોટમોટ.

ભૂખરા આકાશે બે નાનકડાં ખેતર જેટલો

તાપણાંનો ધુમાડો.

ટેકરીઢાળની પીઠ ઉપર ઊગેલો

બેધ્યાન સૂરજ.

અને ઊનની ટોપી ઉપર દોડતા જતા

એક રજોટાયેલા છોકરાના

મોં ઉપર પડતું

તડકાનું રાતુંચોળ ટપકું - જાણે કે પોતીકું.

અને ક્યાંક દૂર

પડાવ માંડી પડેલા સરોવરના કાંઠે

એક ભાગેડુ શિયાળો અને સમણું.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 654)
  • સંપાદક : ચંદ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
  • વર્ષ : 2021
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ