રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅલ્યા જીવલા—
ઉં મને અચાનક શમણામાં આયો
પછી તો...
બારે મેઘ થઈને રેલાયો....
અંગ અંગ
ઊગી નેકર્યાં ડાંગર બાજરી ને જાર.
આ આંબો, રાંણ અને મૌવડો.
ઉં શેડો પે’રી નાચું
મારી આ આંછ્યોમાં
પાડાની ખાંધ જેવું
કકડો છેતર હચવાયું.
ઉં મને રાતડિયાના હાંઠાની પૅટ
છોલી છોલીને ચાખું!
આ ફાંટમાં લણી લણીને
એકાન્ત હાચવી રાખું!
જો—
મારી છાતી પર ઊગી નેર્ક્યું
લીલોતરીનું લાખું!
ઉં બચકારે બચકારે પંપારું
થૂલ ભરેલું શમણાં આખું ને આખું
પગથી માથી હુંધી છલકાતું જાય
ગાડેગાડાં ભરીને ભારા પરી અંધારું
અને જીવલા —
એમ જીવાતું જાય
ઝાડની પૅટ એકધારું!
અલ્યા જીવલા—
વે’લી પરોડીએથી
ટાંપાટૈડાં આખલાં લેયને
નસીબ છેડવા નેકરી જવ
તે છેક મોંડી રાતે
થાચ્યો–પાચ્યો ઘેર આવું...
તારે—
અઘોરી બાવા જેવી ભૂખરી રાત
અંધારાની ચાદર ઓડીને
ગામમાં રૉણ ફરતી ઓય.
ઉલારેલું ગાલ્લું
તફડતી ઓટલીયો
જાગતું ફરિયું
મોભારે બેઠેલી ચીબરી
હગાં–વા’લાં જેવો ફરિયાનો લૅમડો
હમી હાંજના રાંધેલા ધાંન જેવી
ટાઢી પડી ગયેલી મારી બાયડી
ટૂંટિયું વારીને કૂતરી આરે
હૂતેલાં મારાં જગ્ધાં
મારી વાટ જોતે જોતે
ઢગલો થઈ જ્યાં ઑય છે
ને ઉં, ડચકારે ડચકારે
અંધારને ટપારતો ટપારતો
ઘેર આયીને
જોકાં ખાતાં છીલે
બરધ્યાં આરે રાત બાંધીને
ઘરમાં પેહું છું
કલ્લો હરોડાં આરે ઊંઘ હરગાઈને
દેગડી પાંણી ઊનું કરી આલી
છાસ–રોટલો ખવડાઈને
બગાહાં ખાતી પથારીમાં
મારી બાયડી આરે
વાડેલા ખહલાની પૅટ
જાત પાથરી દેવ છું
જીવલા........!
સ્રોત
- પુસ્તક : શેષવિશેષ ૮૪ (પૃષ્ઠ ક્રમાંક 44)
- સંપાદક : હરીશ મીનાશ્રુ, પ્રમોદકુમાર પટેલ
- પ્રકાશક : ચારુતર વિદ્યામંડળ
- વર્ષ : 1986