khetarman wepari - Free-verse | RekhtaGujarati

ખેતરમાં વેપારી

khetarman wepari

રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી
ખેતરમાં વેપારી
રઘુવીર ચૌધરી

‘રામ કી ચિડિયા. રામ કા ખેત’ – ગાતા

ખેડુને ભલોભોળો માની

લલચાયો વેપારી – જમીનનો દલાલ.

આ ખેડુ વેચી દેશે ખેતર સસ્તામાં

લાવ, ધરું કોરો ચેક.

‘લો ભગત, લખી દો રકમ ને તમારું નામ’

લખ્યું ખેડુએ, ‘રામ!’

કહે વેપારી : ‘અટક ઉમેરો.’

‘અટક પણ એ જ, રકમ પણ એ જ.’

‘નથી આપવું ખેતર?’

‘લો, આપ્યું, કરો કામ.

પાકે એમાંથી લઈ જાઓ ભાગ

ઓલ્યાં પંખીડાંની જેમ.’

‘મારે ભાગ નહીં, સુવાંગ જોઈએ, ચાંદા સૂરજની સાખે.

માગો એ આપું, ખેતર નહીં માપું.’

‘માણસ પાસે ખેડુ માગે નહીં

મેનત વિના મફતનો લોભ એને જાગે નહીં.

કુદરતનો વારસો લોભિયાને વેચે નહીં.

તમને સમજાય તો સમજો

નકર એટલું યાદ રાખો :

ખેતર કોઈ એકલાને મળતું નથી

સોદાથી એ ફળતું નથી.’

વેપારી અટવાયો.

ખેડુ એની વહારે ધાયો.

સ્રોત

  • પુસ્તક : કુદરતની હથેલી (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2021