khetarman wepari - Free-verse | RekhtaGujarati

ખેતરમાં વેપારી

khetarman wepari

રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી
ખેતરમાં વેપારી
રઘુવીર ચૌધરી

‘રામ કી ચિડિયા. રામ કા ખેત’ ગાતા

ખેડુને ભલોભોળો માની

લલચાયો વેપારી જમીનનો દલાલ.

ખેડુ વેચી દેશે ખેતર સસ્તામાં

લાવ, ધરું કોરો ચેક.

‘લો ભગત, લખી દો રકમ ને તમારું નામ’

લખ્યું ખેડુએ, ‘રામ!’

કહે વેપારી : ‘અટક ઉમેરો.’

‘અટક પણ જ, રકમ પણ જ.’

‘નથી આપવું ખેતર?’

‘લો, આપ્યું, કરો કામ.

પાકે એમાંથી લઈ જાઓ ભાગ

ઓલ્યાં પંખીડાંની જેમ.’

‘મારે ભાગ નહીં, સુવાંગ જોઈએ, ચાંદા સૂરજની સાખે.

માગો આપું, ખેતર નહીં માપું.’

‘માણસ પાસે ખેડુ માગે નહીં

મેનત વિના મફતનો લોભ એને જાગે નહીં.

કુદરતનો વારસો લોભિયાને વેચે નહીં.

તમને સમજાય તો સમજો

નકર એટલું યાદ રાખો :

ખેતર કોઈ એકલાને મળતું નથી

સોદાથી ફળતું નથી.’

વેપારી અટવાયો.

ખેડુ એની વહારે ધાયો.

સ્રોત

  • પુસ્તક : કુદરતની હથેલી (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2021