agnisnan - Free-verse | RekhtaGujarati

અગ્નિસ્નાન

agnisnan

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
અગ્નિસ્નાન
સ્નેહરશ્મિ

સૂર્ય હસે છે,

ભર્યાં ભર્યાં ખેતરમાં જાણે

મોતી કેરી મૂઠી ભરીને,

ગગને ભાળી,

નર્તન કરતા,

બાજરી કેરા છોડ હસે છે.

સૂર્ય હસે છે,

ભર્યાં ભર્યાં ખેતરમાં કોડે

વિનોદ કરતાં,

લળી લળીને લણણી કરતાં.

વાતો કરતાં,

ગીતે સારી સીમ ગજવતાં,

વિધવિધ મીઠાં સ્વપ્નો જોતાં,

સુખ હીંડોળે ઝોલાં ખાતાં,

ભોળાં, મીઠાં, ગભરુ હૈયાં,

ખેડૂત નરનારીઓ કેરાં,

થનગન થનગન થનગન થાતાં

મુગ્ધ હસે છે.

સૂર્ય હસે છે,

પ્રસન્ન નિર્મળ વ્યોમ હસે છે,

કુદરત કેરી અમી ભરેલી

આંખ હસે છે.

ભરી ભરી કયારી જેવાં,

કૃતજ્ઞતાથી સ્નિગ્ધ લળેલાં

હૈયાં નભને

વન્દી હસે છે.

લોક જુએ છે -

દૂર દૂરની ક્ષિતિજો વીંધી,

ઊંચા નભના ગુંબજ ભરતો,

આઘેરા કો ઘનના ઘેરા

ગર્જન જેવો,

અંતરિક્ષમાં તરતો તરતો,

કાને પડતો નવતર કોઈ

ધ્વનિ સુણીને લેાક જુએ છે.

‘ક્યાંઈ નથી વાદળ તો કોઈ

ના કાળું કે ધેાળું એક્કે,

ત્યારે આવે આવો કયાંથી

ઘનગર્જન શો અવાજ ભારી?’

કો ખેડુનો પ્રશ્ન સુણી એ,

ગગને ભાળી અન્ય વદે કો:

‘એ તો આવે રાજ-સવારી!

ભર્યા ભર્યા પાક નિહાળી,

નિજ નેત્રોને પાવન કરવા,

નિશાન-ડંકા સાથે આવે

જરૂર કો રાજ-સવારી!’

સર્વ હસે છે :

‘હા, હા, આવે રાજ-સવારી!

ને રાજા કંઈ ખાલી હાથે

કદીય આવે!

કે’શે: ‘માગો!

મનમાન્યો કે વર સૌ માગો!

ત્યારે શું શું માગી લેવું

તે સૌ મનમાં વિચારી લેજો -

વેળા આવ્યે

ગફલત જેથી કદી થાયે.

હસતા હસતા બોલે બીજો:

‘કે'શુ’: રાજા, પાક ગમ્યો આ?

તેા એથીયે અદકા ઊતરે

વર્ષે વર્ષે નવા નવા ને

મોંઘા પાકો

જો અમ સૌના ખેતર માંહી

સદાય વ્હેતી નહેર કરાવો,

વા અક્કેકો સૌને ખેતર-કૂવા ચણાવો!’

ને ત્યાં ઊંચે,

અતિશય ઊંચે,

નભમાં પહોળી પાંખ પસારી

ઊડતાં મોટાં ગરુડો જેવાં,

ઘર્ ઘર્ ઘર્ ઘર્ અવાજ કરતાં,

કાળાં કો ટપકાં તરતાં

નજર ભરે છે!

નો’યે સમડી,

ગીધ વા એ!

તો કોઈ નવતર પંખી!

જન્મારામાં કોએ કયાંયે

નવ દીઠેલાં, નહીં સુણેલાં,

એવાં અહી આવ્યાં કયાંથી?

એમાંના કો ટપકામાંથી,

દૂર તણા કો ખાલી ખેતર

ઉપર પડતો,

રૂપેરી કો ઈંડા જેવો

ગોળો જોતાં,

વિસ્મયડૂબી ચમકી ઊઠી

અનેક આંખો!

સૂર્યતેજમાં

ઝળહળ ઝળહળ ઝળહળ થાતું,

પણછ થકી છૂટેલા શર શું,

સર સર સરતું,

ફર ફર ફરતું,

તીવ્ર વેગથી

તે ખેતરની વચમાં મેાટા

ધૂમ ધડાકે.

માટીનો કૈં રચી ફુવારો.

ધણ ધણ ધણ ધણ ધરા ધ્રુજાવી,

ફૂટયું ઈંડુ!

નવ કો બોલે! નવ કો હાલે!

સૌના જાણે કાનો બ્હેરા!

ને બુદ્ધિયે જાણે સૌની

સૂનમૂન શી મૂઢ બની છે.

ધીરે ધીરે કિન્તુ પેલાં

ટપકાંઓને ક્ષિતિજ વટાવી

અદૃશ્ય થાતાં નીરખી સૌને,

ઘડીકમાં શું ગયું બની તે

વિચારવાની ગત આવે છે.

કુતૂહલે સૌ આંખ હવે તો,

ઈંડુ ફૂટયું તે સ્થળ ઉપર,

આતુરતાથી ફરી રહી છે.

ને કો જુવાનિયાના પગમાં

તે સ્થળ ઉપર દોડી જઈને

નિજ આંખોથી

બની ગયું તે જોવા કેરી

ગતિ સ્ફુરે છે.

‘ઓહો! શું?

જરૂર તો

મનની મુરાદો

પૂરવા જાણે

ગરુડે ચઢીને

વિષ્ણુ પધાર્યા!

ને જાદુથી

કૂવો કર્યો આ!' -

એવું એવું બોલી લોકો,

લળી લળી તે ખેતર વચ્ચે

ક્ષણમાં મોટો કૂવો બનેલો

નિહાળી, ભારે નવાઈ પામી,

જાતજાતની ચર્ચા કરતાં,

તર્ક વિતર્કે અનેક ડૂબી

ખેતર કેરા ધણીની મીઠી

મજાક કરતાં કહે હસીને:

‘'લ્યા, તું પૂરો નસીબવંતો!

કૂવાની તો તારાથીયે

મારે મોટી હતી જરૂર;

પણ મૂર્ખું ઈંડું જો ને

ફૂટયું તારા ખેતર વચ્ચે!’

એવી પાડોશીઓ કેરી

ગમ્મત સુણતાં,

ખેતર કેરો માલિક પણ ત્યાં

હસીને બોલે:

‘વળતાં સૌ આવે ત્યારે

અક્કેકું સૌ લેજો માગી,

મને મળ્યું છે ઈંડું તેવું!’

ભોળાં નરનારીઓ સૌ

શું જાણે કે એવા કૈં કૈં

અનેક કૂવા ના ધરતીમાં -

કિન્તુ માનવતાના ઉરમાં,

રોજ રોજ હા! ઊંડા ઊંડા,

અતિશય ઊંડા,

વેરઝેરથી છલછલ થાતા,

ઘર ગામે ને દેશ વિદેશે,

નિર્લજતાથી રચી રહ્યા કૈં

ગોળા એવા!

નિજ નિજ ખેતરમાં સૌ પાછા

લોકો કામે ચઢે તહીં તો,

પાછો ઘન-ગર્જન શો ધ્વનિ તે,

કાને પડતાં

ઉત્સુકતાથી નેણો ફરી તે,

ક્ષિતિજો ઉપર દોડી રે’છે.

ને પંખી તે આવ્યાં પાછાં!

સર સર સરતાં,

ગુલાંટ લેતાં,

ભીષણ મેટા નાદો કરતાં,

ને ઈંડાંઓ

અગન વેરતાં,

ભર્યા ભર્યા તે પાકો ઉપર,

આશભર્યાં નરનારી ઉપર,

નાનાં મોટાં અનેક વર્ષ્યાં!

ભોળું મીઠું હાસ્ય ડૂબ્યું તે,

લણણી કેરાં ગીત શમ્યાં તે,

કોનાં માથાં,

કોનાં ધડ ને હાથો કોના,

અહીં તહીં રઝળે!

ને જે થોડાં

ગયાં બચી તે,

શૂધબૂધ ભૂલી,

મૂઢ સમાં હા!

કંઈ કળાતાં,

બાવરી આંખે,

ફાટી નજરે,

પથ્થર જેવાં,

ઠરી ગયાં ત્યાં!

નહીં શીખવાનું એયે શીખશે,

ને એવાં કૈં વિમાન ઉપર

સવાર થઈને,

કોક દિવસ કો અન્ય દેશનાં

ઘર ગામો ને ખેતર ઉપર,

ત્વરાએ,

ઝનૂને

ઝીંકી એવા ગોળાઓ હા!

અગ્નિ વરસશે!

ઈશે સર્જ્યો માનવ ત્યારે

કેવી મોટી આશાઓ ને

કૂણી કેવી ઊર્મિ સાથે

ઉર, બુદ્ધિ ને કરની તેને

હશે દીધી બક્ષિસ તેણે!

ત્યારે તેણે કલ્પ્યું હશે કે,

તીક્ષ્ણ બુદ્ધિ ને સ્નિગ્ધ હૃદય એ,

દક્ષ કરો ને સૂક્ષ્મ કલ્પના,

નિજ ને પરના વિનાશ કેરી

ઘેાર ઘેલછામાં રત થાશે!

શમશે એયે!

આત્મવિનાશક ઘેાર ઘેલછા

દૂર થશે એ!

જ્યારે કર જે આજે રોષે

બૉમ્બ બનાવે,

ને વર્ષાવે,

તે જાગીને જોશે

નિજની આત્મ-વિનાશક

ઘોર ઘેલછા!

પણ તે પ્હેલાં

આવાં કૈં કૈં અસખ્ય ગામો,

નગરો ને કૈં દેશોને હા!

અગ્નિ-સ્નાન કરવાં પડશે!

ને તે કાજે

નિર્દોષોના

રક્તને ફરી ફરી

વ્હેવું પડશે!

આજ તણું ને કાલ તણાં કૈં

વિધવિધ આવાં દૃશ્યો જોતો,

છિન્નભિન્ન માનવતાની

ભડ ભડ બળતી ચિતાની ઉપર,

ગંધક કેરા ધુમાડામાં

ઝાંખો રાતો,

સૂર્ય હસે છે!

ચાંદનીનાં ચીર સજી ચમકે જામિની

કોને રૂપ-બાણ વાગે!

કે કોણ પછી સૂતાં જાગે!

કોડે છલકાઈ રહી હૈયાની છાબ આ,

ઝંખે કો આવી કશું માગે!

કે કોણ પછી સૂતાં જાગે!

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984